વિશ્વનું એક અનોખું મંદિર, જ્યાં લોકો માનતા પૂર્ણ કરવા ભગવાન શિવને અર્પણ કરે છે જીવતા કરચલા
Unique temple of Surat: ભગવાન શિવને સામાન્ય રીતે દૂધ, ફૂલ, મધ, બીલીપત્ર જેવી ચીજ-વસ્તુઓ ચઢાવવામાં આવે છે. તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ સુરતનું એક અનોખું મંદિર છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવે છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવે છે. ઉત્તરાયણ બાદ આ બાધા પૂરી કરવા માટે આ દિવસે ઉમરા ખાતે આવેલા રામનાથ ઘેલા મંદિરે હજારોની સંખ્યામાં લોકો મંદિરે આવીને માનતા પૂરી કરે છે.
વર્ષમાં ફકત એક દિવસ જ અહીં જીવતા કરચલા ચડે છે
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર વિશ્વનું એક આ એક માત્ર એવું મંદિર છે, જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે. લોક માન્યતા મુજબ શારીરિક તકલીફ હોય જેમાં ખાસ કરીને કોઈને કાનને લગતી બીમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે. રોગ દૂર થઈ ગયા પછી ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરચલા ચડાવવામાં આવે છે. લોકો બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતા કરચલા લઈને અહીં મંદિર પહોંચી પૂજા-અર્ચના કરે છે. વર્ષમાં ફકત એક દિવસ જ અહીં કરચલા ચડતાં હોવાથી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઇન જોવા મળે છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ વધુ બે દિવસ માણી શકશે ફ્લાવર શોની મજા, જાણો સમય અને ટિકિટ
વર્ષો જૂની પ્રથા છે, રામનાથ ઘેલા મંદિરમાં કરચલા ચડાવવાની
પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા આ મંદિર સાથે અલૌકિક ઘટના જોડાયેલી છે. લોકવાયકા મુજબ ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી. જેથી સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને રામે પૂજા કરી હતી. આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. સમુદ્ર દેવે ભગવાન શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી. ભગવાન આ જોઈને ઘેલાઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું હતું. વર્ષમાં એક જ વાર આ મંદિરમાં કરચલા ચડાવવાની માન્યતા હોવાથી આજના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. સુરત સિવાય અહીં મુંબઈ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે.