Get The App

આકરી ગરમીમાં સુરતના કેટલાક લોકોની અનોખી સમાજ સેવા

Updated: May 12th, 2024


Google NewsGoogle News
આકરી ગરમીમાં સુરતના કેટલાક લોકોની અનોખી સમાજ સેવા 1 - image


સુરત સહિત ગુજરાતના આકાશમાંથી આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે કેટલાક લોકોએ પાણીની પરબ શરુ કરી લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, સુરતની એક સંસ્થાએ શહેરની સામાન્ય પ્રજા સાથે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો અને લારી લઈને ફેરી ફરતા ફેરિયાઓ સાથે સાથે આકરા તાપમાં સતત ફરજ બજાવતા પોલીસ અને ટીઆરબી જવાનો માટે અનોખી સેવા કરી રહ્યાં છે. શહેરના સ્લમ વિસ્તારના બાળકોને ગરમીથી બચાવવા માટે શેરડીનો રસ અને કેરીના રસનું વિતરણ કરવામા આવી રહ્યું છે. 

આકરી ગરમીમાં સુરતના કેટલાક લોકોની અનોખી સમાજ સેવા 2 - image

સુરતના આકાશમાંથી આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે લોકો એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે પરંતુ રસ્તા પર લારીઓ લઈને ફેરી ફરતા ફેરિયાઓની હાલત આ ગરમીમાં વધુ ખરાબ થઈ રહી છે આવા લોકો માટે કોઈ ખાસ સુવિધા ન હોવાથી મજબૂરી વશ લોકો આકરી ગરમીમાં પણ સોસાયટીઓ કે શેરીઓમાં જઈને શાકભાજી કે અન્ય વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. આવા લોકો માટે શહેરની હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી છત્રીનું  વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોઈ જગ્યાએ આ લારીવાળાઓ ઉભા રહે છે તેને આ છત્રી નો છાયડો રાહત આપે છે.

હોપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ ગાંધી કહે છે, પાણીની પરબ ઘણા લોકો કરે છે તે ઘણી સારી વાત છે અને તેના કારણે લોકોને ઘણી રાહત થઈ રહી છે. જોકે, અમે એવું વિચાર્યું કે આવી ગરમીમાં  સ્લમ વિસ્તારમાં મા બાપ કામ ધંધા પર જતા હોય તેવા સમયે  સ્લમ વિસ્તારના બાળકોને મદદરૂપ થાય તે માટે અમારા ટ્રસ્ટના સભ્યો દ્વારા આવી વસ્તીમાં રસનુ કોલુ લઈ જવામાં આવે છે અને ત્યાં બાળકો અને અન્ય લોકોને શેરડીનો રસ તથા કેરીના રસ તથા લીંબુ શિકંજી નું વિતરણ કરવામાં આવે છે. ત્યાં સુધી ગરમી પડશે ત્યાં સુધી જુદી જુદી સ્લમ વિસ્તારમાં જઈને આ પ્રકારનું વિતરણ કરવામાં આવશે.

આકરી ગરમીમાં સુરતના કેટલાક લોકોની અનોખી સમાજ સેવા 3 - image

તેઓ વધુમાં કહે છે, સુરત શહેરમાં ગરમી પડી છે તેવી આકરી ગરમીમાં પણ શહેરના તમામ ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ મેન અને ટ્રાફિક બ્રિગેડના જવાનો  ફરજ બજાવી રહ્યાં છે. આવા તમામ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને શેરડીના રસ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ગરમીમાં સુરતના ગરીબ લોકો તથા ફરજ બજાવતા લોકોને કેવી રીતે મદદરૂપ થવું તે માટેની કામગીરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.



Google NewsGoogle News