ડીજીટલ યુગમાં ચરખો કાંતવાની પરંપરાને પુનઃજીવિત કરવા અનોખી ચળવળ
રાજકોટમાં ગાંધી જયંતી પૂર્વે 'ચાલો ચલાવીએ ચરખા 'નો વર્કશોપ : ચરખો એ માત્ર રોજગારીનું સર્જન કરવાનું સાધન નથી પરંતુ શરીરને એક નવી ઉર્જા આપતી કલા છે
રાજકોટ, : ગાંધીજીને પ્રિય એવા ચરખા કાંતવાની પરંપરા આજનાં બદલાયેલા સમયમાં ભૂલાતી જાય છે. પ્રસંગોપાત મહાનુભાવો ચરખો કાંતવા બેસતા હોય છે પરંતુ આ એક કલા છે તેને જીવતી રાખવા પ્રયાસ થતો નથી ખાસ કરીને આજની પેઢી ચરખો કાંતવાની આ કલા વિશે ભાગ્યે જ કઈં જાણે છે. આજની પેઢીને આ કલા વિશે જાગૃત કરી આ પરંપરાને જીવતી રાખવાની એક અનોખી ચળવળ રાજકોટમાં શરૂ કરવામાં આવી છે.
ગાંધીજી ચરખો કાંતતા હતા તેટલુ માત્ર આજની પેઢી જાણતી હોય છે પરંતુ ચરખો માત્ર રોજગારીનું સર્જન કરવાનું સાધન નથી તે માનસિક સુખાકારી અને શરીરને સ્વસ્થ રાખવાનું પણ મહત્વું કામ કરે છે. આજના ડીજીટલ યુગમાં યુવાનો સતત મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય બરબાદ કરે છે અને બાદમાં અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે ત્યારે ચરખો એક નવી ઉર્જા આપે છે. આવા કન્સેપ્ટ સાથે એક સ્વેચ્છિક સંસ્થાએ એક ચળવળનાં રૂપમાં કામ શરૂ શરૂ કર્યુ છે.
રાજકોટમાં ગાંધીજયંતીની પૂર્વ સંધ્યાએ મહાત્મા ગાંધી સ્કુલમાં ત્રણ દિવસનો ખાસ વર્કશોપ 'ચાલો ચલાવીએ ચરખા ' નું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધી વિધાપીઠથી ચરખા વિશેની સમજ આપવા ટીમ આવી છે તેમાં રાજકોટનાં પણ કેટલાક સેવાભાવી લોકો જોડાયા છે. ખાસ કરીને ડીજીટલ યુગમાં ચરખા કાંતવાની પરંપરા જળવાય રહે તેવા ઉદેશ્ય સાથે આ મુવમેન્ટ શરૂ કરવામાં આવી છે. આજે આ પ્રોજેકટનાં આરંભમાં કલેકટર, કમિશનર સહિતનાં અગ્રણીઓ ઉપરાંત શાળાનાં બાળકોએ આ પ્રોજેકટમાં ખાસ રસ લીધો હતો. ત્રણ દિવસ રોજ 2- 2 કલાક ચરખો કેવી રીતે કાંતવામાં આવે છે તે શોખવવાની સાથે તેની સાથે જોડાયેલા અન્ય પાસાઓની પણ સમજ આપવામાં આવશે.