ગુજરાતનાં આ ગામમાં ઉજવાય છે 'મરેલાનો મેળો', મૃતકોને ખમણ, ફાફડા, સિગારેટ ધરાવવાની માન્યતા
Unique fair of the Umara,Surat: કોઈ સ્વજન મૃત્યુ પામે તો તેના આત્માની શાંતિ માટે લોકો અનેક વિધિ અને પૂજા પાઠ કરતાં હોય છે. પરંતુ સુરતના ઉમરા ગામે આવેલા એક સ્મશાનમાં અનોખી પરંપરા રહેલી છે. અહીં દર વર્ષે પોષ મહિનાની અગિયારસે અનોખી વિધિ કરવામાં આવે છે. આ સ્મશાનમાં લોકો પોષી એકાદશીના દિવસે આવી તાપી કાંઠે તર્પણ વિધિ કરી સ્મશાનની ચિતા પાસે મૃતક સ્વજનની મનગમતી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. જેમાં મૃતકને ખમણ, ફાફડા, સિગરેટ તેમજ નોનવેજ ચઢાવાય છે. આ ઉપરાંત કોઈ વ્યસની હોય તો તેને દારૂ પણ મૂકવામાં આવે છે. આ પંરપરા છેલ્લા એકાદ સદીથી ચાલી આવતી હોવાનું કહેવાય છે.
વર્ષોથી એક અનોખી એક પરંપરા ચાલી આવે છે
સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનમાં વર્ષોથી એક અનોખી એક પરંપરા ચાલી આવે છે. વર્ષોથી અહીં લોકોને વિશેષ આસ્થા જોડાયેલી છે. પરિવારના કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો પોષી એકાદશીના દિવસે મૃતકના સ્વજન અહી તર્પણ વિધિ કરવા માટે આવે છે. જ્યાં ચિતા પાસે સ્વજન દ્વારા મૃતકની મનપસંદ વસ્તુઓ ધરાવે છે. જેમ કે મૃતક બીડી-સિગારેટ, દારૂ કે અન્ય કોઈ વાનગી ખાવાનો શોખીન હોય તો તેના પરિવારજનો સ્મશાન ઘાટ જઈને તેની ચિતા પાસે અર્પણ કરે છે. એવું કહેવાય છે કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
નોનવેજ અને દારૂ પણ ચડાવવામાં આવે છે
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. જેમા મૃતકની પ્રિય વસ્તુ લઈને અનેક સ્વજનો નોનવેજ અને ઇંગ્લિશ- દેશી દારૂ લઈને પણ સ્મશાનમાં ચિતાની આગળ ચડાવે છે. લોકોની આસ્થા મૃત્યુ પામેલા સ્વજન સાથે જોડાયેલી હોવાથી તેઓ અલગ અલગ ભોગ વસ્તુઓ ચઢાવે છે. લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે એટલે સ્મશાનના ટ્રસ્ટ દ્વારા પણ લોકોને તેમના પરિવારના મૃત્યુ પામેલા સ્વજનને મન ભાવતું ભોજન ચિતા પાસે ધરાવવાની પરવાનગી આપવામાં આવી છે.