Get The App

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે આવેલી અનોખી ગૌમૂત્ર બેંક

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે આવેલી અનોખી ગૌમૂત્ર બેંક 1 - image


અનોખી પહેલ: પ્રાકૃતિક ખેતીમાં સહાયક બનતી ગૌમૂત્ર બેંક ગૌમૂત્ર બેંક થકી ગાયના નિભાવમાં સહાય કરવામાં આવે છે : ગૌમૂત્રમાંથી અર્ક તથા પંચગવ્ય ઉત્પાદનો  બનાવાય  છે 

રાજકોટ, : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યવહારૂ રીતે પડતી મુશ્કેલીઓ વિશે જાણી વિશિષ્ટ બેંકની રચના કરી છે તથા પોતાના ત્રણ એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી સાથે જ ગૌમૂત્ર બેંક બનાવી અર્ક બનાવવાનું માળખું બનાવ્યું છે.

વર્ષ 2011માં અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેના  પ્રયાસો દરમિયાન તેમને જાણવા મળેલા પ્રશ્નોમાં ગાયના નિભાવનો પ્રશ્ન પણ હતો, જેને ધ્યાને લઈને તેમણેે પોતાના ખેતર ખાતે ગૌમુત્ર બેંક બનાવી. આ બેંકમાં આસપાસના ખેડૂતો 10 રૂા. પ્રતિ લિટર પોતાની ગાયનું ગૌમૂત્ર આપી શકે છે. આ પ્રકારે મળતી નાની સહાય પણ ગાયના નિભાવમાં મદદરૂપ બની રહી છે. તેમણે જણાવ્યું હતું કે, 2011થી પ્રાકૃતિક ખેતી કરતા 2024માં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગૌ -પ્રાકૃતિક સમૂહ બનાવ્યો. તેમાં અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત શિબિરો કરી જોડવાના પ્રયાસો કર્યા. સાથે જ ખેડૂતોને મદદરૂપ થવા માટે ગૌમૂત્ર બેંક ચાલુ કરી. આ ગૌમૂત્ર બેંકમાં ગૌમૂત્રની ખરીદી કરી તેનાથી પંચગવ્યના વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખેતર ખાતે ખાસ કરવામાં આવેલી વ્યવસ્થામાં બોઇલરમાં ગૌમૂત્ર અને વનસ્પતિના પાનના મિશ્રણને ઉકાળી નિસ્યંદન પ્રક્રિયા દ્વારા પ્રાકૃતિક અર્ક બનાવવામાં આવે છે. આ અર્ક પ્રાકૃતિક દવા સ્વરૂપે ખેડૂતો કે કિચન ગાર્ડન કરતાં કોઈપણ પ્રાકૃતિક ખેતી પ્રેમી લોકોને વેચવામાં આવે છે. આમ, ગૌમૂત્ર ખરીદી દ્વારા તો ખેડૂતોને મદદરૂપ થવામાં આવી જ રહ્યું છે સાથે જ આ પ્રાકૃતિક દવાઓ તૈયાર કરી ખેડૂતોને આપવાથી નાના અને અતિ વ્યસ્ત ખેડૂતોનો સમય બચે છે.

 આ દવા અને અર્ક વિશે તેમણે જણાવ્યું હતું કે, ગૌમુત્ર ઉપરાંત પાણી અને ગોળની નિયત માત્રા સાથે લીંબુ, કેસુડાના ફૂલ, બિલી વગેરેના જૈવ રસાયણ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં પોષણ અર્ક, કુચલા અર્ક, નીમસ્ત્ર, પુષ્પ રસાયણ જેવા પાંચ પ્રકારના જૈવ રસાયણોનો ખેતીમાં ફુલ આવવા સમયે કે પાન પીળા પડી જવાના સમયે ખેડૂતો સ્પ્રે કરીને કે જમીનમાં પિયતમાં આપીને સારૂં પરિણામ મેળવી શકે છે. અનોખી પહેલ સાથે પ્રાકૃતિક ખેતીમાં સહાયક બનતી આ ગૌમૂત્ર બેંકથી આજે જેતપુર તાલુકાના અનેક ગામના ખેડૂતોને ગૌનિભાવમાં સહાય સાથે માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે.

Tags :