મહા શિવરાત્રિ પર્વે શિવયોગ, સ્વાર્થ સિધ્ધિ યોગ અને ચતુગ્રહી યોગનો પણ અનોખો સંયોગ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
મહા શિવરાત્રિ પર્વે શિવયોગ, સ્વાર્થ સિધ્ધિ યોગ અને ચતુગ્રહી યોગનો પણ અનોખો સંયોગ 1 - image


8 માર્ચે મહા શિવરાત્રિ પર્વે આંતર રાષ્ટ્રીય મહિલા દિનનો સંયોગ : શિવયોગ, સ્વાર્થ સિધ્ધિ યોગ અને ચતુગ્રહી યોગનો પણ અનોખો સંયોગ જોવા મળશે

રાજકોટ, : દેશભરમાં આગામી તા. 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિ મહોત્સવ ઉજવાશે. આ દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અને મહાશિવરાત્રિનો અનોખો સંયોગ થયો છે.  આ વેળા સૂર્ય, શનિ, શુક્ર અને ચંદ્ર વગેરે ચાર ગ્રહોનો ચતુગ્રહી યોગ કુંભ રાશિમાં થશે. આ સાથે શિવયોગ, સ્વાર્થસિધ્ધયોગ, રૂચકયોગનો અદ્રભૂત સંયોગ જોવા મળશે તેમજ મહાશિવરાત્રિનું પર્વ વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારૂ રહેશે.

મહાશિવરાત્રિનું પર્વ શંકર અને પાર્વતિના વિવાહના દિવસ તરીકે ઉજવાય છે. શિવ હંમેશા શકિત સાથે જોવા મળે છે, તો કયાંક અર્ધનારેશ્વર સ્વરૂપે જોવા મળે છે. શિવ વિના પાર્વતિ અધૂરા છે અને પાર્વતિ વગરના શિવ અધૂરા છે. દેવી ભાગવતમાં જગતની તમામ સ્ત્રીઓ એ ભગવતીનું સ્વરૂપ છે. દેવી ભાગવત સહિતના દરેક ધર્મગ્રંથોમાં સ્ત્રીઓના સન્માનની વાતો કરાઈ છે. વિશ્વના ત્રણ મહત્વના ખાતાઓ ધન, વિદ્યા અને શકિત એ દેવીઓ હસ્તક છે આથી આ વર્ષે તા. 8 મીએ આંતર રાષ્ટ્રીય મહિલા દિન અને મહા શિવરાત્રિનો સુભગ સંયોગ થયો છે. આ અવસરે ધન, ધાન્ય, આરોગ્ય, આયુષ્ય, સંતતિ, સંપતિ અને મોક્ષ વગેરેની પ્રાપ્તિ માટે શિવપૂજા, જાપ, રુદ્રાત્મક યજ્ઞા, રૂદ્રિ, અભિષેક કરવાથી ઈચ્છિત મનોકામના સિધ્ધ થાય છે.

મહાશિવરાત્રિની રાત્રિની ચાર પ્રહરની પૂજાનું ભારે મહત્વ છે. વિવિધ દ્રવ્યોથી ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. રાહુ કેતુની પીડામાંથી મુકત થવા શિવલીંગ પર ધતુરાનું ફૂલ તેનું ફળ અને જલથી અભિષેક કરાશે. રાત્રિના પુષ્પો ચઢાવવા, શિવલીંગ પર બીલીપત્રો, સફેદ ફૂલો, ધતુરા, શમી અને કમળ વગેરે ચડાવવાથી ભાવિકોની મનોકામના પુર્ણ થાય છે. અલગ અલગ રાશિઓ અનુસાર ઉપાયો અને પૂજાવિધિ કરવાથી પણ લાભ થાય છે. આ સાથે આ પર્વે શિવ પંચાક્ષરી મંત્ર તેમજ શિવાષ્ટકનો જાપ કરવામાં આવે છે 


Google NewsGoogle News