સુરતના આંગણે અનોખું અને પ્રથમ કવયિત્રી સંમેલન યોજાયું
- ભટાર સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં સુરત, ભરૃચ અને વડોદરાની વર્કિંગ વુમન અને કવયિત્રીઓએ ભાગ લીધો
સુરત
તુ હશે તારા મુલકનો શહેનશાહ, પોળમાં તો હું ય શહેજાદી... જિંદગી આખી મને તું આમ તડપાવ્યા ના કર, દૂરથી, મીઠુ મીઠુ તું આમ મલકાયા ના કર. સુરતના આંગણે સુરત, વડોદરા અને ભરૃચની વર્કિગ વુમન અને કવયિત્રીઓનું આજે અનોખુ અને પ્રથમ વખત સંમલેન યોજાયું હતુ.
સુરત શહેરના ભટાર રોડ સ્થિત વૈષ્ણોદેવી મંદિર હોલમાં શબ્દરુપેણ સંસ્થિતા શિર્ષક હેઠળ કવયિત્રી સંમેલન યોજાયુ હતુ. જેમાં સુરત, ભરૃચ અને વડોદરાની કવયિત્રીઓ દ્વારા પોતે રચિત કવિતાઓનું પઠન કરાયું હતુ. સુરત જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડૉ.જિજ્ઞાાસા ઓઝાએ સંચાલન કરવાની સાથે પોતે રચેલી કવિતા ખભેખભા મિલાવીને રહેવુ છે મારે હારોહાર, નથી થવુ સમોવડી છું કયાં જરા ઉતરતીનું પઠન કર્યુ હતુ. જીગીષા દેસાઇએ પ્રેમના અઘરા ગણિતને શીખવુ બાકી રહ્યુ, શૂન્ય છું, બસ એકડાને પામવુ બાકી રહ્યુ,.તો ડૉ.સેજલ દેસાઇએ જીંદગીની ટોપલીમાં માછલી જેવી પળો, એક બે પળ જીવતી પણ રાખવામાં મજા છેનું પઠન કર્યું હતુ.
આ કવયિત્રી સંમલેનને લઇને ડૉ.જિજ્ઞાાસા ઓઝાએ કહ્યું હતુ કે, સુરત, વડોદરા અને ભરૃચની વર્કિગ વુમન અને કવયિત્રીઓને એક જ મંચ પર ભેગા કરવાનો આ સરાહનીય પ્રયાસ સફળ રહ્યો હતો. દરેક કવયિત્રીઓએ પોતે રચેલી કવિતાઓનું પઠન કરતા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કવયિત્રીઓમાંથી ડૉકટર છે, પાલિકા અને સરકારી કચેરીઓના અધિકારીઓ છે.