જામનગરમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમ બતાવશે અદ્ભુત આકાશી નજારો
Jamnagar News : જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે બે દિવસીય અદભુત એર શૉ યોજાશે. જેમાં આગામી 25-26 જાન્યુઆરીના રોજ બપોરે 2:15 વાગ્યે ખંભાળીયા હાઈવે પરના સ્વામીનારાયણ મંદિર નજીકના ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયન એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શૉનું ભવ્ય પ્રદર્શન કરાશે.
ઈન્ડિયન એરફોર્સ એર શૉનું આયોજન
જામનગર ખાતે ઈન્ડિયન એરફોર્સ દ્વારા બે દિવસીય અદ્ભુત એર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવશે. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરાશે. તેમજ વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવાશે.
દુનિયાભરમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 700થી વધુ પ્રદર્શન
સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)ની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે. SKAT દ્વારા ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શન કરવામાં આવ્યા છે. SKATમાં ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ ધરાવતા 9 હૉક Mk132 વિમાનો સામેલ કરાયા છે. જ્યારે ટીમમાં 14 પાયલોટ રહેશે. ટીમ લીડર Su-30 MKI પાયલોટ ગ્રુપ કેપ્ટન અજય દાશરથી છે. જ્યારે ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક છે. અન્ય પાઈલટોમાં સ્ક્વોડ્રન લીડરોમાં જસદીપ સિંહ, હિમખુશ ચંદેલ, અંકિત વશિષ્ઠ, વિષ્ણુ, દિવાકર શર્મા, ગૌરવ પટેલ, એડવર્ડ પ્રિન્સ, કોમન ડબલ્યુ રાજેશ, લીડર ડબલ્યુ રાજેશ, કમાન્ડર અર્જુન પટેલ, વિંગ કમાન્ડર કુલદીપ હુડ્ડા અને વિંગ કમાન્ડર એલન જ્યોર્જ રહેશે.
ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી, સ્ક્વોડ્રન લીડર સંદીપ ધાયલ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ મનીલ શર્મા કરી રહ્યા છે. ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ છે અને ટીમના ડોક્ટર સ્ક્વોડ્રન લીડર સુદર્શન છે.
આ પણ વાંચો: VIDEO: ચોટીલામાં 100 ઘોડેસવાર જાનૈયાઓ સાથે નીકાળી જાન
સૂર્યકિરણ ટીમના હોક Mk-132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોક પોડ્સનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો, નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉન્નતીકરણ માત્ર ડિસ્પ્લેમાં વિઝ્યુઅલ ઈમ્પેક્ટ ઉમેરતું નથી પણ એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ઈનોવેશનમાં ભારતની સિદ્ધિઓની ઉજવણી કરીને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે પણ કામ કરે છે.