હજીરા રોડના કવાસ ગામની ઘટના: આવાસમાં મકાનની લાલચે વધુ પૈસાની માંગણી કરી ટ્રક ડ્રાઇવર ઉપર તલવાર વડે હુમલો
- દોઢ મહિના અગાઉ મકાનના નામે 1 લાખ રૂપિયા લીધાઃ વીસ દિવસ બાદ મકાન લાગી ગયું છે એમ કહી વધુ 50 હજારની માંગણી કરતા ઝઘડો થયો હતો, હુમલો કરનાર ચાર પૈકી સિનીયર વકીલના ઓફિસ બોય
સુરત
હજીરા રોડના કવાસ ગામમાં રહેતા પરપ્રાંતિય ટ્રક ડ્રાઇવરને આવાસમાં મકાન અપાવવાની લાલચ આપી 1 લાખ રૂપિયા પડાવ્યા બાદ વધુ 50 હજારની માંગણી કરી પત્ની સહિતના પરિવારને ઉઠાવી જવાની ધમકી આપવા ઉપરાંત થાર કારમાં ઘર સુધી ઘસી આવી તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા મામલો ઇચ્છાપોર પોલીસમાં પહોંચ્યો છે.
કવાસ ગામની બાપા સીતારામ સોસાયટીમાં રહેતા અને પોતાની ટ્રક ચલાવતા પ્રસંજીત શુકુમાર સામલા (ઉ.વ. 32) ને દોઢ મહિના અગાઉ તેના બે પરિચીત નિલેશ ચૌધરી અને રાકેશ ચૌધરીએ આવાસમાં મકાન અપાવવાનું કહી રૂ. 1 લાખ લીધા હતા. ત્યાર બાદ 20 દિવસ પછી આવાસમાં મકાન લાગી ગયું છું અને તારે અમને બીજા 50 હજાર રૂપિયા આપવા પડશે એમ કહેતા પ્રસંજીતે આવાસના કાગળ બતાવવાનું કહ્યું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થતા નિલેશ અને રાકેશે ફોન કરી ધમકી આપી હતી કે તારૂ મકાન ખાલી કરાવી દઇશું અને તારા પરિવારને પણ ઉઠાવીને લઇ જઇશ. ઉપરાંત પ્રસંજીતની પત્નીને પણ ફોન કરી અમારા 50 હજાર રૂપિયા નહીં આપે તો તમારા પરિવારને ઉઠાવી જઇશ એમ કહી ગત રોજ બપોરના અરસામાં બંને વકીલ સહિત ચાર જણા થાર કાર નં. જીજે-5 આરટી-5938 લઇને પ્રસંજીતના ઘરે ઘસી ગયા હતા. જયાં 50 હજાર રૂપિયાની માંગણી કરી પ્રસંજીતની પત્ની સાથે ઝપાઝપી કરી ઢીકમુક્કીનો માર મારતા ધાબા ઉપર પતંગ ચગાવી રહેલા પ્રસંજીત દોડી આવ્યો હતો. પરંતુ નિલેશ અને રાકેશે પસંજીતને પણ માર માર્યો હતો અને નિલેશ કારમાંથી તલવાર કાઢી પ્રસંજીત ઉપર હુમલો કર્યો હતો પરંતુ સ્વબચાવમાં માટે પાછળ ખસી જતા તલવાર પ્રસંજીતને માથામાં વાગતા ગંભીર ઇજા થઇ હતી. પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર ચાર પૈકી બે શહેરના સિનીયર વકીલને ત્યાં ઓફિસ બોય તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.