Get The App

ભાવનગર મહાપાલિકાનો વેરો નહીં ભરતા કુલ 952 મિલકત સીલ માર્યા

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ભાવનગર મહાપાલિકાનો વેરો નહીં ભરતા કુલ 952 મિલકત સીલ માર્યા 1 - image


મિલકત વેરો વસૂલવા માટે છેલ્લા એક માસથી મહાપાલિકાની જપ્તી ડ્રાઈવ યથાવત 

આશરે છેલ્લા એક માસમાં મહાપાલિકાને રૂ. ૭.૦૩ કરોડની વેરાની આવક, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમમાં ૩,૯પ૭ મિલકત ધારક જોડાયા, ૩,૦ર૦ મિલકત ધારકે પ્રથમ હપ્તો ભર્યો 

ભાવનગર: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવનગર મહાપાલિકાએ બાકીદારો પાસેથી મિલ્કત વેરો વસુલવા માટે છેલ્લા એક માસથી માસ જપ્તી ડ્રાઈવની કામગીરી હાથ ધરી છે. માસ જપ્તી ડ્રાઈવની કામગીરી દરમિયાન મહાપાલિકાની ટીમે અત્યાર સુધીમાં ૯પર મિલ્કતને સીલ માર્યા છે, જયારે મહાપાલિકાને રૂ. ૭.૦૩ કરોડની વેરાની આવક થઈ છે. 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત તા. ૦૬ ડિસેમ્બર-૨૦૨૪ થી કાર્પેટ એરિયા કર પધ્ધતીના મિલ્કત વેરાના બાકીદારો પાસેથી મિલ્કત વેરાની વસુલાત કરવા મહાનગરપાલિકાના તમામ વિભાગો મારફત માસ જપ્તી ડ્રાઇવ શરૂ કરવામાં આવેલ છે. આ માસ જપ્તી ડ્રાઇવ હેઠળ કુલ ૯૫૨ મિલ્કતને ટાંચમાં લઈ સિલ કરવામાં આવેલ છે, જ્યારે આ માસ જપ્તી શરૂ કર્યા તારીખથી આજ દિન સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાને કુલ ૦૭.૦૩ કરોડની આવક થયેલ છે. આ માસ જપ્તી થકી ડિસેમ્બર માસમાં જ મહાનગરપાલિકાને કુલ ૬.૭૯ કરોડની આવક થયેલ છે જે ઓક્ટોબર માસની કુલ ૨.૨૩ કરોડ તથા નવેમ્બર માસની કુલ ૨.૫૨ કરોડની આવકના બમણાં કરતાં પણ વધુ છે. આ માસ જપ્તી ડ્રાઇવ શરૂ કર્યા તારીખથી આજ દિન સુધીમાં કુલ ૭,૪૮૬ મિલ્કતમાં મિલ્કત વેરો ભરપાઈ થયેલ છે. જે પૈકી ડિસેમ્બર માસમાં જ કુલ ૭,૨૪૧ મિલ્કતમાં વેરો ભરપાઇ થયેલ છે જે ઓક્ટોબર માસના ૨,૩૨૯ મિલ્કતો તથા નવેમ્બર માસના કુલ ૨,૪૬૩ મિલ્કતના બમણા કરતાં પણ વધારે છે. આંકડાના આધારે રિકવરી ટીમની કામગીરી નબળી દેખાય રહી છે ત્યારે રિકવરી ટીમમાં ફેરફાર કરવા જરૂરી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.  

મહાનગરપાલિકા ખાતે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ ૨.૦ (ઓડીઆઈએસ ૨.૦) પણ હાલ અમલી છે. આ સ્કિમ હેઠળ મિલ્કત વેરાની કુલ બાકી રકમના એક સરખા કુલ પાંચ હપ્તા કરી આપવામાં આવે છે તથા આ પાંચ હપ્તા ચાલુ વર્ષ સહિત આગામી પાંચ વર્ષમાં ભરપાઇ કરવાના રહેતા હોય છે, પાછલી બાકી રકમ અને ચાલુ બાકી રકમ પર ચડત થયેલ ચાલુ વર્ષનું વ્યાજ માફ કરી આપવામાં આવતું હોય છે. મિલ્કતધારકો દ્વારા મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ મેળવવામાં આવી રહ્યો છે. આ યોજના ગત તા. ૦૫ ડિસેમ્બર-૨૦૨૪ થી લાગુ કર્યા તારીખથી આજ દિન સુધીમાં કુલ ૩,૯૫૭ મિલ્કત ધારકે આ યોજનામાં જોડાયા છે જે પૈકી કુલ ૩,૦૨૦ મિલ્કત ધારકે તેઓનો પ્રથમ હપ્તો પણ ભરપાઈ કરી દિધેલ છે. જેના થકી મહાનગરપાલિકાને કુલ ૧.૮૯ કરોડની આવક થયેલ છે. મિલ્કત વેરો નહીં ભરે તે બાકીદારના નળ-ગટર કનેકશન આગામી દિવસોમાં કાપવામાં આવશે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે. 



Google NewsGoogle News