વડોદરામાં પતંગ દોરીથી કુલ 281 પક્ષીઓ ઘાયલ થયા : શહેરમાં 19 અને જિલ્લામાં કુલ 30 પક્ષીઓના મરણ
Vadodara : વડોદરા શહેર જિલ્લામાં ઉતરાયણ તહેવાર નિમિત્તે અત્યાર સુધીમાં પતંગ અને દોરથી કુલ 281 પક્ષીઓ ઘાયલ થયા છે. જેમાંથી વડોદરા શહેરમાં 19 અને શહેર જિલ્લામાં કુલ 30 પક્ષીના મરણ થયા છે. પંખીઓની સારવાર માટે કરુણા અભિયાનનો તારીખ 10 થી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. વડોદરામાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ એનજીઓના કાર્યકરો દ્વારા આ અભિયાન અંતર્ગત કામગીરી થઈ રહી છે. જે પક્ષીઓ ઘાયલ થયા છે તેમાં કબૂતર, હોલા, સમડી, ઘુવડ, મોર, બાજ, ટીટોડી વગેરેનો સમાવેશ થાય છે. જે પક્ષીઓ ઘાયલ થયા છે તેમાં કબૂતરોની સંખ્યા વધુ છે.
વડોદરા નજીક અણખોલ ગામે રાષ્ટ્રીય પક્ષી મોર પતંગના ધારદાર દોરાથી ઘાયલ થતાં તેની પાંખ કપાઈ ગઈ હતી તેને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી લેવાયો હતો. આગલા દિવસે તરસાલીથી ઘાયલ બાજ પક્ષી મળ્યું હતું. તે પણ દોરીથી ઘાયલ થતાં તેની પાંખ કપાઈ ગઈ હતી અને તેનો જીવ બચાવવા ટાંકા લેવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓની સારવાર બાદ એન્ટિબાયોટિક દવા પીવડાવવામાં આવે છે. જેથી તેને ઇન્ફેક્શન પણ લાગુ ન પડે અને જલ્દી રુઝ આવી જાય. ઘાયલ પક્ષીઓને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ સાજા થતાં તેને ઉડાડી મૂકવામાં આવે છે. ઉતરાયણના દિવસે બપોરે બે થી ચાર સુધી પવનની ગતિ ખૂબ જ હોવાથી પતંગો ખૂબ ઉડતા પક્ષીઓ વધુ માત્રામાં ઘાયલ થયા હતા.
વડોદરામાં ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે 50 કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ થયેલા પક્ષીઓને લાવવામાં આવે છે. આ ઉપરાંત ત્રણ સ્થળે પોલી ક્લિનિક, પંડ્યા બ્રિજ અને કારેલીબાગ ખાતે ઓપરેશન થિયેટર રાખ્યા છે. કરુણા અભિયાન સાથે વિવિધ સ્વેચ્છિક સંગઠનોના 900 કાર્યકરો આ કામગીરી સાથે જોડાયા છે અને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. વન વિભાગનું કહેવું છે કે ખાસ તો ચાઈનીઝ દોરી અને કાચ પાઉડરથી માંજો બનાવી રંગેલી ધારદાર દોરી પક્ષીઓને વધુ ઘાયલ કરે છે. આવી દોરી વધુ ઘાતક હોવાથી જીવલેણ સાબિત થાય છે.