Get The App

સુરતની 994 સ્કુલોની 15229 બેઠક સામે અધધધ 26649 ફોર્મ ભરાયા

Updated: Mar 18th, 2025


Google News
Google News
સુરતની 994 સ્કુલોની 15229 બેઠક સામે અધધધ 26649 ફોર્મ ભરાયા 1 - image




- સરકારે નક્કી કરેલા ક્રાઇટેરીયા મુજબ રૃા.6 લાખની આવક ધરાવતા વાલીઓ માટે સ્થિતિ લોઢાના ચણા ચાવવા જેવી થશે

- વાલીઓમાં ગણગણાટ, કયાં તો પ્રવેશના નિયમો બદલવા પડશે કે કયાં તો સ્કુલોમાં બેઠકો વધારવી પડશે

- સરકારે પ્રથમ અનાથ બાળક થી લઇને છેલ્લે 11 માં ક્રમે એસ.સી. એસ.ટી, 12 માં ક્રમે ઓબીસી અને 13 માં ક્રમે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશનો ક્રાઇટેરીયા નક્કી કર્યો છે

                સુરત

આરટીઇમાં પ્રવેશ માટે આવકની મર્યાદા છ લાખ કરાઇ હોવાછતા સરકારે જે કેટેગરીમાં પ્રવેશ ફાળવવાનો ક્રાઇટેરીયા નક્કી કર્યો છે તે જોતા છ લાખની આવક ધરાવતા બાળકને પ્રવેશ કેવી રીતે મળશે તે એક પ્રશ્નનો ગણગણાટ વાલીઓમાં શરૃ થયો છે. કેમકે અત્યાર સુધીમાં સુરતની ૯૯૪ સ્કુલોમાં ૧૫૨૨૯ બેઠકો સામે ૨૬૬૪૯  એટલે કે ૧૭૫ ટકા ફોર્મ ભરાયા છે. અને હજુ તો પોણો મહિનો પ્રવેશનો બાકી છે. આથી પ્રવેશ માટે નવા નિયમો ઘડવા પડે કે પછી બેઠકો વધારવી પડે તેવી સ્થિતિ અત્યારથી જ ઉત્પન્ન થઇ છે.

આ વર્ષે શરૃઆતમાં રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ પ્રવેશ માટે ઝાઝા ફોર્મ ભરાયા ના હતા. સરકારે આવકની મર્યાદા છ લાખની કરી ત્યાં સુધી બેઠક મુજબ બધાને પ્રવેશ ફાળવાઇ તેટલી સીટો હતી. પરંતુ છ લાખની મર્યાદા કરાતા હવે મહિને રૃા.૫૦ હજારનો પગારદાર પણ આરટીઇમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરશે. કેમકે એકવાર પ્રવેશ મળ્યા પછી ધોરણ આઠ સુધી કોઇ ફી ભરવાની નહીં હોવાથી વાલીઓ માટે એક સારી તક છે. અને આગામી ૧૪ મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે.

વાલીઓ માટે આ તક વચ્ચે  સરકારે પ્રવેશ માટે એક ક્રાઇટેરીયા નક્કી કરાયો છે. તે ક્રાઇટેરીયાાના ક્રમો જોતા નવા નિયમો ઘડવા પડે કે પછી સ્કુલોમાં બેઠક વધારવી પડે તેવી સ્થિત ઉત્પન્ન થશે તેવો ગણગણાટ શિક્ષણવિદોમાં શરૃ થયો છે. કેમકે ક્રાઇટેરીયા જોતા પ્રથમ અનાથ , સંરક્ષણની જવાબદારી વાળુ બાળક કે પછી બાલગૃહના બાળકો એમ અલગ અલગ ૧૩ કેટેગરી મુજબ પ્રવેશ ફાળવવાનો હોય છે. અને સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છેલ્લે પ્રવેશ ફાળવવાની જોગવાઇઓ છે. આથી બધા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો મુશ્કેલ છે. કેમકે એકબાજુ ૧૫૨૨૯ બેઠકો સામે અત્યાર સુધીમાં ૨૬૬૪૯ ફોર્મ ભરાયા છે. અને હજુ ૧૪ મી એપ્રિલ બાકી છે. આથી આગામી દિવસોમાં ફોર્મના ઢગલા ખડકાશે.

આમ આવકની મર્યાદા ભલે છ લાખ કરાઇ, પરંતુ બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો મુશ્કેલ બનશે. શિક્ષણવિદો અને વાલીઓ આ ક્રાઇટેરીયા અને સ્કુલોમાં બેઠકની સંખ્યામાં સરકાર શુ નિર્ણય લે છે તેના પર નજર મંડરાયેલી છે.

રાજ્ય સરકારે આ ક્રમમાં નક્કી કરેલા ક્રાઇટેરીયા મુજબ પ્રવેશ ફાળવાશે

(૧) અનાથ બાળક

(૨) સંભાળ અને સંરક્ષણની જરૃરીયાતવાળુ બાળક

(૩) બાલગૃહના બાળકો

(૪) બાળ મજૂર/ સ્થળાંતરીત મજુરના બાળકો

(૫) મંદબુદ્વી, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, દિવ્યાંગ બાળકો

(૬) એન્ટી- રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકો

(૭) ફરજ દરમ્યાન શહીદ થયેલા લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો

(૮) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાનમાં માત્ર દીકરી હોય તેેવી દીકરી

(૯) સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો

(૧૦) એસ.સી. એસ.ટી, એસઇબીસી, જનરલ તથા અન્ય કેટેગરીમાં બીપીએલ કુંટુબના બાળકો

(૧૧) અનુસુચિત જાતિ ( એસ.સી) અને અનુસુચિત જનજાતિ ( એસ.ટી) ના બાળકો

(૧૨) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગના બાળકો

(૧૩) સામાન્ય કેટેગરી ( બિન અનામત વર્ગના ) બાળકો

ઘર નજીકની ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ સ્કુલોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બનશે

આરટીઇમાં છ લાખની મર્યાદા કરાઇ હોવાથી હાલ જે વિદ્યાર્થીઓ નોન ગ્રાન્ટેડ સ્કુલોમાં ભણે છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ તે જ સ્કુલોમાં પ્રવેશ માટે આરટીઇમાં ફોર્મ ભરશે. અને આ ફોર્મ ભર્યા બાદ સરકારે જે કેટેગરી નક્કી કરી છે. તે મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે. આ ક્રાઇટેરીયા જોતા બાળકને ઘર નજીકની સ્કુલમાં પ્રવેશ માટે એક રાઉન્ડ બે રાઉન્ડ કે છેલ્લે સુધી રાહ જોવી પડશે. આમ આવક વધી છતા મનગમતી સ્કુલોમાં પ્રવેશને લઇને વાલીઓની સ્થિતિ લોઢાના ચણા ચાવવા જેવી થશે.


Tags :
suratrteadmission

Google News
Google News