દિવ્યાંગોની 4 કેટેગરીમાં કુલ 13 સ્પર્ધા અંતર્ગત 1590 ખેલાડી પોતાનું કૌશલ્ય બતાવશે
- ભાવનગરમાં યોજાનાર સ્પે. ખેલમહાકુંભમાં
- એમ.આર. વિભાગમાં 500, ઓ.એચ.માં 680 બ્લાઇન્ડમાં 350 અને ડેફમાં 60 ખેલાડી ભાગ લેશે
જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૩.૦ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેફ દિવ્યાંગ ખેલાડીઓની એથ્લેટીક્સ સ્પર્ધા તા.૨૮મી જાન્યુઆરીને મંગળવારના રોજ સવારે ૮ કલાકે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સિદસર રોડ, ભાવનગર ખાતે યોજાશે. શારીરિક ક્ષતિગ્રસ્ત (ઓ.એચ.) ખેલાડીઓની ક્રિકેટ સ્પર્ધા તા.૩૦-૧ના રોજ એ.વી. સ્કૂલ ગ્રાઉન્ડ, ક્રેસન્ટ પાસે, એમ.આર. દિવ્યાંગ ખેલાડીઓની એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ અને બેડમિન્ટન તા.૬ અને ૭મી ફેબુ્રઆરીના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તેમજ બ્લાઇન્ડ ખેલાડીઓ માટેની એથ્લેટીક્સ સ્પર્ધા તા.૧૦-૨ સવારે ૮ કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સિદસર રોડ, બ્લાઇન્ડ ક્રિકેટ ૧૧-૨ના રોજ કેપીઇએસ કોલેજ કાળિયાબીડ ખાતે તેમજ બ્લાઇન્ડ ખેલાડીઓની ચેસ સ્પર્ધા તા.૧૨-૨ના રોજ અંધ સ્કૂલમાં સ્પર્ધા યોજાશે. આ તમામ સ્પર્ધાનો સમય સવારે ૮ કલાકનો રહેશે. આમ સ્પે. ખેલમહાકુંભમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન સ્પર્ધામાં ૫૦૦ ખેલાડી ભાગ લેશે. તો બ્લાઇન્ડ વિભાગમાં એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસમાં ૩૫૦ ખેલાડી, શારીરિક ક્ષતિગ્રસ્ત વિભાગમાં એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલમાં ૬૮૦ ખેલાડી તો ડેફ (બહેરા મુંગા) વિભાગમાં એથ્લેટીક્સ ૧૦૦મી., ૨૦૦ મી. સ્પર્ધામાં ૬૦ ખેલાડી ભાગ લેશે. આમ ચાર વિભાગની કુલ ૧૩ સ્પર્ધામાં કુલ ૧૫૦૦ ખેલાડી પોતાનું કૌશલ્ય દાખવશે.