સુરેન્દ્રનગરમાં તા. 27મીથી ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પો યોજાશે
- પાંચ લાખ લોકો મુલાકાત લે તેવી સંભાવના
- સ્થાનિક, રાજ્ય અને દેશની 200 થી વધુ કંપનીઓ ભાગ લેશે, તૈયારીઓને આખરી ઓપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આગામી તા.૨૭ થી ૨૯ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પો-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેને આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. ત્રણ દિવસ દરમ્યાન અંદાજે પાંચ લાખ જેટલા લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.૨૭ થી ૨૯ ડિસેમ્બર સુધી 'ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પો'નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સવારે ૧૦-૦૦ કલાકે ખુલ્લું મુકવામાં આવશે. એક્ષ્પોમાં જિલ્લાના નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ રાજ્ય અને દેશ લેવલની પ્રખ્યાત અંદાજે ૨૦૦થી વધુ કંપનીઓ ભાગ લેશે. જિલ્લાના નાના ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટના વેચાણ માટે રાજ્ય અને દેશવ્યાપી પ્લેટફોર્મ મળી રહેશે. સમિટમાં યુવા ઉધોગકારોને પ્રોત્સાહન આપવા યુથ મિટીંગ સહીતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટના આયોજક ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટીમના કિશોરસિંહ ઝાલા, નરેશભાઈ કૈલા સહિતનાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક્ષ્પો દરમ્યાન દરરોજ રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.