PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા ઐતિહાસિક કંથારપુર વડના અસ્તિત્વ સામે જોખમ, 10 કરોડની ફાળવણી ક્યાં ગઇ?
Kantharpura Vad: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા કંથારપુર વડ તંત્રની ઉદાસિનતાની ચાડી ખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વડ તેની વડવાઈઓની સુરક્ષા માટે સૂચનો કર્યા બાદ આરંભે શૂરાની જેમ વહીવટી તંત્રએ મસમોટી વાતો કરી હતી. વડના વિકાસ માટે 10 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી થઈ હતી. વડની વડવાઈઓની વિજ્ઞાનિક ઢબે માવજત કરવા તંત્ર કામે લાગ્યું હતું. પરંતુ હવે હાલની સ્થિતિ જોતા તેના અસ્તિત્વ સામે ખતરો મંડારાઈ રહ્યો છે. તંત્રના પાપે અહીં દબાણોનો રાફડો ફાટી નીકળો છે અને વડવાઈઓ તૂટી જતા વડની અનેક ડાળીઓ 20 ટકા જેટલી તૂટી પડી છે, છતાં કોઈ સરકારી બાબુ સાથે અહીં મુલાકાત લેવાની તસ્દી લીધી નથી.
વડની નીચેનો પ્રાકૃતિક માહોલ જળવાયો નથી
હાલ કંથારપુર વડની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. આજે વડની અંદર ખાણી-પીણીની લારીઓના દબાણ થઈ ગયા છે. વડની અંદર વાહનોના પાર્કિંગ સુદ્ધાં કરાતા સહેલાણીઓ પરેશાન છે. લાંબા સમયથી અધૂરા કામકાજ સાથેનું માળખું બિન ઉપયોગી પડી રહ્યું છે. વડની નીચેનો પ્રાકૃતિક માહોલ જળવાયો નથી અને ધંધાકીય સ્થળ બની ગયું છે. વડવાઈઓની સુરક્ષા માટે વનવિભાગને જે જવાબદારી સોંપાઈ હતી તે વિભાગ અહીં ડોકાતો પણ નથી.
આ પણ વાંચો: ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન, અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા
કંથારપુરનો વડ 40 મીટર ઊંચો અને અઢી વિઘાથી વધુ જમીનમાં પથરાયેલો છે. આ વડનું આયુષ્ય લગભગ 500 વર્ષથી વધુનું મનાય છે. ખૂબ લાંબી અને મજબૂત વડવાઇઓ ઉપર પ્રવાસીઓ ચડીને મોજ મસ્તી કરતા પણ નજરે પડતા હોય છે. યોગ્ય વ્યવસ્થાને અભાવે અહીં પાર્કિંગનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ ટુ-વ્હીલર્સ છેક વડ સુધી પાર્કિંગ કરતા નજરે પડે છે. આ ઉપરાંત વડ સુધી પહોંચવાનો માર્ગ પણ બિસ્માર હાલતમાં છે. અહીં બાંધકામ અધુરા છે, જે પહેલા બનેલા છે તેનો સમાર કામ કરવાનો સમય આવી ગયો છે, વડની નજીક એક મોટુ અધૂરૂ બનેલું સ્ટ્રક્ચર પડી રહ્યું છે, જે ક્યારે પૂર્ણ થશે તે નક્કી નથી. પ્રવાસીઓ આવે તેમને વોશરૂમની સુવિધા કે બહાર જઈને બેસવા માટે બાંકડાની સગવડ પણ નથી. આ તમામ વાત એ વાતની ચાડી ખાય છે કે અહીં વિકાસની વાતો માત્ર કાગળ પર અને ફાળવાતી ગ્રાંટ ખિસ્સામાં જેવો ઘાટ છે.
વનવિભાગના કોઈ અધિકારીઓ અહીં દેખાતા નથી
આ વડની જાળવણી અને વડવાઈઓની માવજત કરવાની જેની જવાબદારી છે તે વન વિભાગ અધિકારીઓને અહીં આવવાની ફુરસદ નથી. આ અંગે મંદિરના પૂજારી બિપિનપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી જ્યાર આવતા હતા ત્યારે અધિકારીઓ અહીં આવતા હતા હવે અહીં કોઈ અધિકારીઓ દેખાતા નથી.'