ત્રીજાં લગ્ન કરનાર મહિલાની પતિના ત્રાસથી આત્મહત્યા

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
ત્રીજાં લગ્ન કરનાર મહિલાની પતિના ત્રાસથી આત્મહત્યા 1 - image


ભાવનગર રહેતી બહેનની ફરિયાદ પરથી ગુનો આરોપી પતિને પિયરમાં વાત કરે તે ગમતું ન હતું, નણંદનાં પુત્રને સાચવવાની ના પાડતાં ઘર ખર્ચ બંધ કરી દીધો હતો

રાજકોટ, : મવડી ચોકડી નજીક બાપા સીતારામ ચોક ખાતે શ્રી હરિ સોસાયટીમાં રહેતી કોમલબેન રજનીભાઈ ભીંડોરા નામની 35 વર્ષની પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. તેણે પતિનાં ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આજે આરોપી પતિની ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ભાવનગરની કોમલનાં પહેલા લગ્ન 15 વર્ષ પહેલાં અમરેલીનાં દિપક નથવાણી સાથે થયા હતા. જેમાંથી બે પુત્રોની પ્રાપ્તિ થઇ હતી. દિપકનાં મોત બાદ કોમલે મનિષ પટેલ સાથે પરિવારજનોની જાણ બહાર સૂરતમાં કોર્ટ મેરેજ કરી લીધા હતાં. લગ્નનાં પાંચેક માસ બાદ કોમલે મનિષ સાથે છુટાછેડા લઇ અમરેલીમાં ચિતલ રોડ પર રહેતાં રજની સાથે ત્રીજા લગ્ન 2021ની સાલમાં કરી લીધા હતાં.

આપઘાત કરનાર કોમલની બહેન દયાબેન દોલતભાઈ ગોધવાણી (ઉ.વ. 51, રહે. ભાવનગર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રજની સાથે લગ્ન બાદ તેની બહેન કોમલ કોલમાં કહેતી હું તમારી સાથે વાત કરૂ એ મારા પતિને પસંદ નથી. ત્યારબાદ 2022માં કોમલ પતિ સાથે રાજકોટની શ્રી હરિ સોસાયટી-9માં ભાડાનાં મકાનમાં રહેવા આવી હતી. આ પછી કોમલ અવારનવાર તેને કોલ કરી કહેતી કે તેનો પતિ નાની-નાની વાતમાં ઝગડા કરે છે. ઘરખર્ચ કે બાળકોની સ્કૂલની ફીનાં પૈસા આપતો નથી. જો પૈસા માંગે તો ગડદાપાટુનો માર મારે છે. એમ પણ કહે છે કે, ઘરમાં મારી માતા બકુલાબેન અને બહેન નેહાબેન કહેશે તેમ જ થશે.

છએક માસ પહેલા રજનીએ કોમલને તેની નણંદ નેહાનાં પુત્રને સાચવવા બાબતે ઝગડો કર્યો હતો. જેથી કોમલ બંને બાળકોને લઇને જેતપુર રહેતી બહેન જયશ્રી અને મીનાબેનનાં ઘરે રહેવા આવી ગઇ હતી. પખવાડિયા પછી પરત પતિને ત્યાં જતી રહી હતી. ત્યારથી અવારનવાર તેને કોલ કરી એવી ફરિયાદો કરતી હતી કે પતિ જે કાંઇ કમાઇ લાવે છે તે બહેન નેહાબેનને આપી દે છે. જો આ બાબતે પૂછે તો તેને માર મારે છે. તેણે નેહાનાં પુત્રને સાચવવાની ના પાડતાં ઘરમાં પૈસા આપવાનું બંધ કરી દીધું છે.

ત્યારબાદ ગઇકાલે સવારે કોમલે ઝેરી દવા પી લીધાની જાણ થઇ હતી. તત્કાળ રાજકોટ આવ્યા ત્યારે કોમલનું મોત થયાની જાણ થતાં તેનાં પતિ વિરૂધ્ધ ત્રાસ આપી, આપઘાતની ફરજ પાડયાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. 


Google NewsGoogle News