થાનના વિજળિયા ગામે ચોરીનો એક આરોપી ઝડપાયો
- અન્ય એક આરોપી હજૂ પોલીસ પકડથી દૂર
- રહેણાંક મકાન અને દૂધની ડેરીમાં સામાન વેરવિખેત કરી 15 હજાર રોકડની ચોરી કરી હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે થાન તાલુકાના વિજળીયા ગામે થોડા દિવસો પહેલા દુધની ડેરી તેમજ બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે મામલે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી એક આરોપી ઝડપાયો છે. જ્યારે એક શખ્સ હજૂ પોલીસ પકડથી દૂર છે.
થાન તાલુકાના વિજળીયા ગામે રહેતા અને ફરીયાદી વિરજીભાઈ નાનજીભાઈ ઝાલાના જુના મકાનના તાળા તોડી બે શખ્સો દ્વારા સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો તેમજ ફળીયામાંથી દુધની ડેરીનો દરવાજો તોડી ડેરીમાં પ્રવેશ કરી ડેરીના ટેબલના ખાનામાંથી રોકડ રૂા.૧૫ હજારની ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે ફરિયાદીએ દુધની ડેરીમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા ગામમાં જ રહેતા બે શખ્સો દ્વારા ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આથી થાન પોલીસ મથકે ગત તા.૨૬ ડિસેમ્બરના રોજ ચોરી અંગે બે શખ્સો રવિભાઈ અશોકભાઈ સોઢા રહે. વિજળીયા તા.થાન અને તેનો મીત્ર સંજયભાઈ પ્રવિણભાઈ પરમાર રહે.થાનવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી અને ગણતરીના કલાકોમાં ચોરી કરનાર રવિભાઈ સોઢાને ઝડપી લીધો હતો અને સંજયભાઈ પરમારને ઝડપી પાડવા વધુ તપાસ હાથધરી છે.