વડોદરા કોર્પોરેશનની ટીમ કલરવાળા મુખવાસનું ચેકિંગ કરવા ગઈ અને 700 કિલો શંકાસ્પદ મરચાનો જથ્થો મળી આવ્યો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા આજે હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમને શંકાસ્પદ મરચાનો 700 કિલોનો જથ્થો મળી આવ્યો છે. જે તાત્કાલિક અસરથી જપ્ત કરી જ્યાં સુધી નમુનાનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેચાણ કરી શકશે નહીં તે પ્રમાણેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદની સૂચનાથી આજે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે ગઈ હતી. જેમાં કલરવાળો મુખવાસ વેચાણ થઈ રહ્યો હોય તેનું ચેકિંગ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી અને હાથીખાનામાં આવેલા ચાર વેપારી જય અંબે સ્ટોર પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કલર મુખવાસના બદલે 700 કિલો મરચું હલકી કક્ષાનો જથ્થો હોવાનું જણાવતા તાત્કાલિક અસરથી તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેપારી વેચાણ કરી શકશે નહીં તે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મરચાની કિંમત રૂ.1,83,000 થાય છે તેમ ફૂડ ઇન્સ્પેક્ટર મંગુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.