ભેસ્તાનમાં ચા-નાસ્તાની દુકાનના માલિકને મુદ્રા લોનની લાલચ આપી રૂ. 5.16 લાખ પડાવ્યા
- મિત્ર હસ્તક અજય સુરતીનો સંર્પક કરતા તેણે એડવાન્સ, લોન પ્રોસેસ તથા વીમા ઉપરાંત પોતાના 8 ટકા કમિશન પેટે ટુક્ડે-ટુક્ડે રૂપિયા પડાવ્યાઃ લોનની ફાઇલ મારી પાસે આવી છે એમ કહી બેંક ઓફ બરોડાના બ્રાંચ મેનેજરના નામે કોલ પણ કર્યો
સુરત
ભેસ્તાન પોલીસ સ્ટેશન નજીક ચા-નાસ્તાની દુકાન ચલાવતા યુવાનને સ્ટીચીંગ મશીન માટે મુદ્રા લોન કરાવી આપવાની લાલચ આપી ટુક્ડે-ટુક્ડે રૂ. 5.16 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર તથા બેંક ઓફ બરોડાના બ્રાંચ મેનેજરના નામે કોલ કરનાર અજાણ્યા સહિત ત્રણ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
પાંડેસરા-જીયાવ રોડ સ્થિત બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા રામપુની રામફલ મહતો ભેસ્તાન પોલીસ સ્ટેશન નજીક ચા-નાસ્તાની દુકાન ચલાવે છે. રામપુનીએ સ્ટીચીંગ મશીન ખરીદવા મુદ્રા લોન માટે મિત્ર હસ્તક અજય સુરતી નામની વ્યક્તિનો સંર્પક કર્યો હતો. અજયે મુદ્રા લોન અપાવવાની લાલચ આપી ફોર્મ બેંક ઓફ બરોડાનું ફોર્મમાં સહી કરાવવાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે રૂ. 30 હજાર તથા સહીવાળા ચાર કોરા ચેક લીધા હતા. ત્યાર બાદ લોનની પ્રોસેસ કરવા માટે વધુ રૂ. 20 હજાર, લોનના વીમાના રૂ. 34,500 લીધા બાદ લોન મંજૂર થઇ ગઇ છે પરંતુ મારૂ 8 ટકા મુજબ રૂ. 1.20 લાખ કમિશનની માંગણી કરી હતી. જેથી રામપુનીએ રૂ. 10 હજાર આપ્યા હતા ત્યાર બાદ અડાજણના એલ.પી. સવાણી રોડની બેંક ઓફ બરોડામાંથી બ્રાંચ મેનેજર વિશાલના નામે કોલ કરી તમારી ફાઇલ મારી પાસે આવી છે, તમે પૈસાની વ્યવસ્થા અજયભાઇને કરી દીધી છે કે નહીં, પૈસા જલ્દી આપશો તો તમારૂ કામ જલ્દી થશે એવું કહ્યું હતું.
જેથી રામપુનીએ રૂ. 38 હજાર ઓનલાઇન અને રૂ. 15 હજાર યુપીઆઇથી ટ્રાન્સફર કર્યા હતા. વધુ રકમ ટ્રાન્સફર નહીં થતા અજય સુરતીએ તેના મિત્ર કિરીટ રાણાને મોકલાવી રામપુનીના એકાઉન્ટમાંથી રૂ. 1.20 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત ઓનલાઇન અને રોકડથી મળી ટુક્ડે-ટુક્ડે કુલ રૂ. 5.16 લાખ આપ્યા હતા. ત્યાર બાદ અજયે રૂ. 14.34 લાખનો લોનનો ચેક આપ્યો હતો અને હું કહું પછી બેંકમાં જમા કરાવવા કહ્યું હતું પરંતુ જે તારીખનો ચેક હતો તેના એક દિવસ અગાઉ ચેકમાં ભુલ છે એમ કહી ચેક પરત લઇ લીધો હતો અને રૂ. 1.60 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા રીટર્ન થયો હતો અને ત્યાર બાદ અજય સુરતીએ ફોન બંધ કરી દીધો હતો.