નિવૃત્ત RFO ના ઘરની સામે ટેલરિંગની દુકાન ચલવાનારે કાવતરું ઘડયું
સીસીટીવીમાં કારનો નંબર દેખાતા પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડી : ૨૬. ૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા,વાઘોડિયામાં નિવૃત્ત આરએફઓના મકાનમાંથી ૨૭.૮૯ લાખની ચોરી કરનાર ચોર ટોળકીને એલ.સી.બી. અને વાઘોડિયા પોલીસની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૨૬.૮૫લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાઘોડિયામાં બજાર ચોક વિસ્તારમાં દ્વારકાધીશ મંદિર પાસે રહેતા જીતેન્દ્રકુમાર જયંતીલાલ કાશીવાલા તેમની કાકીની મરણ વિધિમાં વડોદરા ગયા ત્યારે ચોર ટોળકીએ તેમના ઘરને નિશાન બનાવી ચોરી કરી હતી. શરૃઆતમાં ૮ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, બીજા દિવસે ઘરના અન્ય સભ્યો આવતા ચોરીનો આંકડો ૨૭.૮૯ લાખ પહોંચી ગયો હતો.એલ.સી.બી.પી.આઇ. કુણાલ પટેલ તથા વાઘોડિયા પી.આઇ. પી.આર. જાડેજાએ હાથ ધરેલી તપાસ દરમિયાન ચોર ટોળકીએ જે કારનો ઉપયોગ કર્યો હતો. તે કારનો નંબર મળી આવ્યો હતો. પોલીસે નંબરના આધારે કાર માલિકને પૂછતા તેણે જ અન્ય સાગરીતો સાથે મળીને ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ ગુનામાં (૧) રાકેશ સતિષભાઇ માળી (રહે. સ્નેહલ પાર્ક, વાઘોડિયા ગામ) (૨) ફિરોજ દાઉદભાઇ કાજી (રહે. સાલેપાર્ક સોસાયટી, પાલેજ, તા.પાલેજ, જિ.ભરૃચ) તથા (૩) હાજી મહંદમભાઇ ઘાંચી (રહે. સંતોષનગર, નવા બજાર કરજણ) ને ઝડપી પાડયા હતા. જ્યારે રાજુ આદિવાસીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આ ગુનાની ટીપ રાકેશ ચૌહાણે આપી હતી. જેની ટેલરિગની દુકાન ફરિયાદીના ઘરની સામે છે. રાકેશે સૌ પ્રથમ હાજીને વાત કરી હતી. હાજીએ ફિરોજને વાત કરતા તેણે ચોરી કરવા માટે રાજસ્થાનના રાજુ નામના આરોપીને બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો. રાજુએ સૌ પ્રથમ ચોરી કરવા માટે આ જગ્યા સલામત નહીં હોવાનું પણ જણાવ્યું હતું.