Get The App

સાઇબેરિયાથી વડોદરામાં આવેલું 'ગાજ હંસ' ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત, ઉત્તરાયણના દિવસે 30 પક્ષીઓના મૃત્યુ

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
સાઇબેરિયાથી વડોદરામાં આવેલું 'ગાજ હંસ' ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત, ઉત્તરાયણના દિવસે 30 પક્ષીઓના મૃત્યુ 1 - image


Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાતિમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા. તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત 281 પક્ષીઓને વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી. 

ઉત્તરાયણમાં 30 પક્ષીઓ મૃત્યું પામ્યા હતા

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં કમાટી બાગ સ્થિત એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે તા.10થી 14 દરમિયાન 376 ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 346 પક્ષીઓને પશુપાલન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓના વેટનરી તબીબોએ સારવાર આપી બચાવી લીધા હતા. જ્યારે, 30 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાં તમામ કબૂતરો હતો.

સાઇબેરિયાથી વડોદરામાં આવેલું 'ગાજ હંસ' ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત

સાઇબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી કામચલાઉ સ્થળાંતર કરી વડોદરા જિલ્લામાં શિયાળો ગાળવા માટે આવતા 'ગાજ હંસ' પણ પતંગના દોરાનું નિશાન બન્યું હતું. મુક્ત ગગનમાં વિહાર કરતી વેળાએ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પતંગના દોરાથી ઘાયલ થઇ નીચે ફસડાઇ પડ્યું હતું. જેને સારવાર આપી એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. સારી વાત એ છે કે, તેને પાંખમાં બહુ ઇજા થઇ નથી. ઉડી જવા માટે તેને મુક્ત સ્થળે રાખવામાં આવ્યું છે. 

ઉત્તરાયણમાં અનેક 'શાહીન ફાલ્કન' પણ ઘાયલ થયા

આ ઉત્તરાયણમાં 'શાહીન ફાલ્કન' (શાહીન બાજ) પણ ઘાયલ થયું છે. છેલ્લી દસેક ઉત્તરાયણની સંખ્યા જોઇએ તો આ છઠ્ઠું શાહીન ફાલ્કન પતંગના દોરાથી ઘાયલ થયું છે. શાહીન ફાલ્કન એક તો આકાશમાં બહું ઉંચાઇએ ઉડે છે અને સામાન્ય રીતે તે 390 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. અન્ય પક્ષીનો શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવે છે. હવે એમાં તે માંઝાથી ઘાયલ થાય તો જમીન ઉપર પટકાવાથી તેને શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા થવાની શક્યતા વધુ રહે છે. એથી બચવાની શક્યતા ઓછી થઇ જાય છે. પણ આ વખતે શાહીન ફાલ્કનને ડાબી પાંખમાં ઇજા થઇ છે. શરીરના અન્ય ભાગમાં ઇજા નોંધાઇ નથી. એથી ફરી ઉડી શકશે.


Google NewsGoogle News