સ્કૂલેથી સાયકલ પર ઘરે જતા છાત્રનું માથું ટ્રકે ચગદી નાખ્યું
સંત કબીર રોડ પરની ધરાહર માર્કેટ પાસે અકસ્માત : અકસ્માત સર્જ્યા બાદ ચાલક ટ્રક મૂકી ભાગી ગયો, મૃતક છાત્ર ધો. 4માં અભ્યાસ કરતો હતો
રાજકોટ, : સંત કબીર રોડ પર ધરાહર માર્કેટ સામે આજે બપોરે સ્કૂલેથી સાયકલ લઇ ઘરે જતાં પવન રામનિહોરે નિશાદ (ઉ.વ. 12)ને પૂરપાટ વેગે નીકળેલા ટ્રકે હડફેટે લીધા બાદ તેના તોતીંગ વ્હીલ માથા પરથી ફરી વળતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ચાલક ટ્રક રેઢો મૂકી ભાગી ગયો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટી-૫માં રહેતો પવન રણછોડનગરમાં આવેલી શાળા નં. 15માં ધો. 4માં અભ્યાસ કરતો હતો. આજે બપોરે સ્કૂલેથી છૂટી સાયકલ પર ઘરે જતો હતો ત્યારે ધરાહર માર્કેટ સામે પૂરપાટ વેગે નીકળેલા ટ્રકે હડફેટે લીધા બાદ તેના માથા પરથી ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતાં માથું છૂંદાઇ જવાથી સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જેમાંથી પવનના બે-ત્રણ પાડોશી પણ હતાં. જેમણે તેના પિતાને જાણ કરતાં તે સ્થળ પર દોડી આવ્યા હતાં અને પોતાનો પુત્ર જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર પવન પાંચ ભાઈ-બહેનમાં સૌથી મોટો હતો. તેના પિતા મૂળ યુપીના સિધ્ધાર્થનગર જિલ્લાના ઇટાવા ગામના વતની છે. હાલ ઇમીટેશનની મજૂરીનું કામ કરે છે. પુત્રના મોતથી ભાંગી પડયા હતાં.
જાણ થતાં બી ડીવીઝનના એએસઆઈ એ.વી. બકુત્રા અને કોન્સ્ટેબલ કૃણાલભાઈ ઢોલરિયા સ્થળ પર દોડી ગયા હતા. અકસ્માત સર્જનાર ટ્રકને પોલીસ સ્ટેશને મૂકાવી દીધો હતો. પોલીસે રામનિહોરેની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.