નીટનું રિઝલ્ટ સુધર્યા બાદ સુરતની વિદ્યાર્થીની ગુજરાતની ટોપર બની
- ભૂમિકા શેખાવતે સુપ્રીમે કોર્ટે માન્ય ગણેલો વિકલ્પ જવાબમાં લખ્યો હતો : અગાઉના રિઝલ્ટમાં પણ 715 માર્કસ હતા પણ હવે રેન્ક ઉંચે ગયો
સુરત
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (નીટ) દ્વારા લાખ્ખો વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો કરતા જે વિદ્યાર્થીઓના ૭૨૦ માંથી ૭૨૦ આવ્યા હતા તેવા ઘણા વિદ્યાર્થીઓના પાંચ માર્કસ કાપી લેવાતા ૭૧૫ થઇ ગયા હતા.આ માર્કસ સાથે જ નવો રેન્ક જાહેર કરાતા સુરતની સ્કુલની વિદ્યાર્થીની ભૂમિકા શેખાવત ઓલ ઇન્ડિયા ૩૩ મો રેન્ક, ઇડબલ્યુએસમાં થર્ડ રેન્ક અને ગુજરાતમાં નીટના પરિણામમાં ટોપર બની હતી.
નીટના પરિણામને લઇને સુપ્રિમ કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન ફિઝીકસના એક પ્રશ્નને લઇને શંકા વ્યકત કરાઇ હતી. આથી આ પ્રશ્નના બે જવાબો હોવાથી કયો પ્રશ્ન સાચો છે તેની ખરાઇ કરવા માટે આઇઆઇટી દિલ્હીને સોંપવામાં આવ્યુ હતુ. તપાસ બાદ સુપ્રિમ કોર્ટ દ્વારા ચાર વિકલ્પમાંથી વિકલ્પ ચારને સાચો માનીને વિકલ્પ-૨ પસંદ કરનારા વિદ્યાર્થીઓના માર્કસ કાપીને પરિણામ જાહેર કરવાનો આદેશ કરાયો હતો. આ આદેશના પગલે એનટીએ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરીને નવો રેન્ક જાહેર કરાયો હતો. આ નવા રેન્કમાં સુરતના કામરેજના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલયની વિદ્યાર્થીની ભૂમિકા શેખાવત ઓલ ઇન્ડિયા ૩૩ મો રેન્ક, ઇડબલ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા થર્ડ રેન્ક અને ગુજરાતની ટોપર બની હતી. જેથી વાલી, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે.
અગાઉ જાહેર થયેલા પરિણામમાં ભૂમિકાનો ૭૨૦ માંથી ૭૧૫ માર્કસ સાથે ઓલ ઇન્ડિયા ૯૨ મો રેન્ક આવ્યો હતો. એક જ પ્રશ્નનો જવાબ ખોટો પડતા ટોપર બનતા રહી ગઇ હતી. પરંતુ નવા પરિણામમાં ાુજરાત ટોપર બનતા વાલી, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં હર્ષનું મૌજુ ફરી વળ્યુ હતુ. ભૂમિકાએ કહ્યું કે, અગાઉ જાહેર થયેલા પરિણામમાં એક જવાબ ખોટો પડયો હતો તેથી ટોપર બનતા રહી ગઇ હતી. ૭૨૦માંથી ૭૧૫ માર્કસ સાથે ઇન્ડિયા ૯૨મો રેન્ક આવ્યો હતો.
પરંતુ નવા પરિણામમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે જવાબ માન્ય ગણાયો છે તે જ પ્રશ્નના જવાબનો વિકલ્પ મે લખ્યો હોવાથી મારા ૭૧૫ માર્કસમાં કોઇ ફેરફાર થયો નથી. શિક્ષક મેહુલભાઇએ કહ્યું કે, એનટીએ દ્વારા જે રેન્ક જાહેર કર્યો છે તેમાં ભૂમિકા શેખાવત ગુજરાતમા ટોપર બની છે. શિક્ષણવિદોના જણાવ્યા મુજબ સુરતમાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓના જુના પરિણામમાં ૭૨૦ માર્કસ આવ્યા હતા. પણ જવાબમાં વિકલ્પ બે પસંદ કર્યો હતો તેથી નવા રિઝલ્ટમાં પાંચ માર્કસ કપાઇ ગયા છે.
ગુજરાતના વિદ્યાર્થીઓના દેશમાં રેન્ક
વિદ્યાર્થીનું નામ માર્કસ/૭૨૦ પર્સન્ટાઇલ રેન્ક
ભૂમિકા
શેખાવત ૭૧૫ ૯૯.૯૯ ૩૩
વેદ
પટેલ ૭૧૫ ૯૯.૯૯ ૬૩
ક્રિતી
શર્મા ૭૧૫ ૯૯.૯૯ ૬૮
અમીન
નરેશકુમાર ૭૧૫ ૯૯.૯૯ ૬૯
દર્શ
પગડાર ૭૧૫ ૯૯.૯૯ ૭૬
અંબાલીયા
પલક ૭૧૫ ૯૯.૯૯ ૭૮
રીશભ શાહ ૭૧૫ ૯૯.૯૯ ૮૦
અર્યમ કુશવાહ ૭૧૫ ૯૯.૯૯ ૮૮