ચિકી-સાનીની સિઝનના પગલે જિલ્લાના યાર્ડમાં સફેદ-કાળા તલની માંગમાં ઉછાળો
- સફેદ તલ કરતા કાળા તલની વિક્રમજનક માંગ
- ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં પ્રતિદિન તલની આવક અને ભાવમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો
સૌરાષ્ટ્રમાં તલના ભાવમાં તેજીનો માહોલ સર્જાયો છે.ભાવનગર સહિત રાજયભરના જુદા-જુદા માર્કેટીંગ યાર્ડોમાં તલની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ સાથે તલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. હાલ તલના ભાવમાં અંદાજે રૂા ૫૦ સુધીનો વધારો થયો છે. ગત વર્ષ કરતા તલના પ્રમાણમાં સારા ભાવ મળી રહ્યા હોય જગતના તાત ખેડૂતો હરખાઈ રહ્યા છે. ભાવનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તલનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.દિવાળી બાદ તલના ભાવમાં મણદીઠ ઉછાળો આવ્યો છે. તલના ભાવમાં તેજીને લઈને આગામી ઉનાળુ વાવેતરમાં પણ વધારો થશે. ગત ચોમાસાની ઋુતુ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં માવઠાના કારણે કિંમતી પાક ઉપર વરસાદ વરસતા તેની અસરથી પાક અને ગુણવત્તા બગડતા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં તેજી વર્તાઈ રહી છે. કૃષિકારોના મંતવ્ય મુજબ ગત વર્ષોમાં તલના ભાવમાં આ રીતે ખાસ નોંધપાત્ર પ્રકારનો વધારો જણાઈ રહ્યો છે. ઓણ સાલ તલની પુરવઠા ખાદ્ય પર તેજી વધી રહી છે. ભારતમાં અગાઉ ખરીફમાં અંદાજે અઢી લાખ જેટલો તલનો પાક અંદાજવામાં આવતો હતો. દરમિયાન પાક તૈયાર થયા બાદ બજારમાં આવતી વેળા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ખાબકેલા કમોસમી વરસાદથી તલના પાકની ગુણવત્તા પર અસર થતા તેનો ઉતારો પણ ઘટી ગયો હતો. સફેદ તલની તેજીએ કાળા તલને આંબી ગયા છે. દર વર્ષે સફેદ તલ કરતા કાળા તલના ભાવ પ્રમાણમાં ઉંચા જ રહેતા હોય છે.તળાજા માર્કેટીંગ યાર્ડમાં તા.૨-૧૨ ને સોમવારે સફેદ તલના ઉંચા ૨૫૭૨ ભાવ અને કાળા તલના ઉંચા ૪૧૫૦ ભાવ બોલાયા હતા.મહુવા માર્કેટીંગ યાર્ડમાં તા.૨ ને સોમવારે સફેદ તલના ઉંચા ૨૫૫૫ અને કાળા તલના ઉંચા રૂા ૩૭૫૦ ભાવ બોલાયા હતા.જયારે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તા.૩૦ ને શનિવારે સફેદ તલનો ૨૦ કિલોનો ઉંચો ભાવ રૂા ૩૦૦૭ બોલાયો હતો.
ઔષધીય ગુણ ધરાવતા કાળ તલ
કાળા તલને પોષક તત્વોનો ખજાનો ગણાવાય છે. તલના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે તલ વાળથી લઈને ત્વચાને વધુ સારી બનાવે છે. તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જેથી તે લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહેતા હૃદયરોગ જેવી બીમારીમાં રાહત મળી શકે છે. હૃદયને તંદુરસ્ત રાખવા મદદરૂપ તલ અને તલનું તેલ તણાવ ઘટાડવામાં સહાય કરે છે. આ ઉપરાંત શરીરમાં એન્ટી ઓકિસડેન્ટ વધારવાની ક્ષમતા પર પણ તે પોઝીટીવ અસર કરે છે. તલના બીજમાં એન્ટી ઓકિસડન્ટ ગુણ મળી આવતા તેનું સેવન કરવાથી અલ્જાઈમરને રોકવામાં પણ મદદરૂપ છે.