સાઇકલિંગ માટે નીકળેલા સોફ્ટવેર એન્જિનિયરનું અકસ્માતમાં મોત
ગોલ્ડન ચોકડી નજીક વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી
વડોદરા,મિત્રો સાથે વડોદરાથી મોડાસા સુધી સાઇકલિંગ માટે ગયેલા સોફ્ટવેર એન્જિનિયર આજે સવારે વડોદરા પરત આવતા હતા. તે દરમિયાન ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓની સાઇકલને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાયલી નવરચના યુનિવર્સિટીપાસે પ્રથમ મેડોઝમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર સંજય હિંમતલાલ વર્મા સંજય વર્મા અને તેમના મિત્રો અવાર - નવાર સાઇકલિંગ માટે આ રીતે દૂર સુધી જતા હતા.
સંજયભાઇ તેમના અન્ય મિત્રો સાથે ગઇકાલે સવારે છ વાગ્યે વડોદરાથી સાઇકલ લઇને હાલોલ, ગોધરા થઇ મોડાસા ગયા હતા. ત્યાંથી તેઓ પરત વડોદરા આવતા હતા. તે દરમિયાન ગોલ્ડન ચોકડી નજીક વહેલી સવારે સાડા પાંચ વાગ્યે એક અજાણ્યા વાહન ચાલકે સંજય વર્માની સાઇકલને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. અજાણ્યા વાહનના પૈંડા તેમના પર ફરી વળતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. બનાવ અંગે સંજયભાઇના પત્નીએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પત્ની પાદરા નજીક આવેલા મુજપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે. તેઓને બે સંતાન છે.
હરણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.એમ. પ્રિયદર્શી દ્વારા બનાવ સ્થળે ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ મેળવી અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.