વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં સાપને CPR આપી બચાવી લીધો
Vadodara : માણસને સીપીઆર આપીને બચાવી લેવામાં આવ્યા હોવાના અનેક કિસ્સા જોવા મળ્યા છે. પરંતુ વડોદરામાં એક સાપને CPR આપીને બચાવી લેવાનો આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે.
વાઘોડિયા રોડ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલા હનુમાનજી મંદિર સામે સાંજના સમયે બે ફૂટનો એક સાપ નજરે પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
થોડીવાર તરફડિયા મારીને સાપ શાંત થઈ જતા કોઈ વ્યક્તિએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વાઘોડિયા રોડના રેસ્ક્યુઅર યશ તડવીને મદદ માટે મોકલવામાં આવ્યા હતા.
યશ તડવીએ જોયું તો સાપમાં જીવ હોય તેમ લાગતું ન હતું. આમ છતાં તેણે સાપનું મોઢું પહોળું કરી દૂરથી ફૂંક મારી સીપીઆર આપતા કોઈ ખાસ અસર ન થઈ. છતા યશે પ્રયાસ ચાલુ રાખ્યા. આખરે ત્રીજા પ્રયત્નમાં તેને સફળતા મળી હતી અને સાપ સળવળાટ કરતો જોવા મળ્યો. સાપમાં જીવ આવતા તેને સુરક્ષિત સ્થાને છોડવામાં આવ્યો હતો.
યશ તડવીએ કહ્યું હતું કે, આ સાપ ચેકરડ કીલ બેક પ્રજાતિનો છે. જે સામાન્ય રીતે પાણીમાં રહે છે અને બિનઝેરી છે.