જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં દોડધામ : માતા પુત્રનો બચાવ
: જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં મોડી સાંજે 8.30 વાગ્યે એક રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ગાદલા ગોદડા વગેરે સળગી ઊઠ્યા હતા. તે દરમિયાન મકાનમાં હાજર રહેલા માતા-પૂત્ર બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઇ આગને કાબુમાં લઈ લેતાં આસપાસના મકાનોમાં આગ વધુ પ્રસરતી અટકી હતી.
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં અતિ ગીચ એરિયામાં રહેતા દલપતભાઈ ખીમજીભાઈના રહેણાંક મકાનમાં અકસ્માતે આગ લાગી હતી, અને શોર્ટ સર્કિટ થવાથી ગાદલા, ગોદડા, ઇલેક્ટ્રિક વાયરીંગ વગેરે સળગવા લાગ્યા હતા.
આ બનાવ સમયે મકાનમાં દલપત ભાઈ ખીમજીભાઇ (ઉંમર-25) અને તેમના માતા મંજુલાબેન ખીમજીભાઈ (ઉંમર-50) કે જેઓ બંને હાજર હતા, અને તુરત જ ઘરની બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો.
આગના બનાવના કારણે આસપાસના ગીચ વિસ્તારમાં આજુ બાજુમાં અન્ય મકાનો હોવાથી પાડોશીઓમાં દોડધામ થઈ હતી, અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
ફાયર શાખાની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આગ સમયસર કાબુમાં આવી ગઇ હોવાથી આસપાસના અન્ય મકાનોમાં આગ પ્રસરે તે પહેલા કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ આશકારો અનુભવ્યો હતો.