Get The App

જામનગરમાં મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી ઘટના, આઠ વર્ષની બાળકી સાથે અડપલાં બાદ હત્યા

Updated: Jan 15th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી ઘટના, આઠ વર્ષની બાળકી સાથે અડપલાં બાદ હત્યા 1 - image

Jamnagar news : જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેનું માથું પછાડીને હત્યા કરી દીધી હતી. આ ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે.

મળતી માહિતી મુજબ, દ્વારકાના મીઠાપુરમાં હિન્દુ વાઘેર યુવતીના બે મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે 2 મહિનાથી ત્રણ દીકરીઓને લઈને કુટુંબી મોટા બાપા ડોસાજી માણેકના ઘરે રહેવા ગઇ હતી. અહીં ડોસાજી માણેકનો દીકરો નીતિન માણેક પણ ત્યાં જ સાથે રહેતો હતો. 

મામો બાળકી સાથે મારકૂટ કરતો

આ દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાનગતી કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેની સાથે અવારનવાર મારકૂટ કરતો હતો. આ સિવાય તેની સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં તેની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.

દિવાલ સાથે માથું પછાડી બાળકીની કરી હત્યા

સોમવારે સિક્કામાં ભરાતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી. તે દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની બાળકીને નીતિને શારીરિક અડપલાં કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડ્યુ હતું, જેનાથી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેની માતા ઘરે આવી તો જોયું કે, માસુમ બાળકી બેભાન અવસ્થામાં હતી. બાદમાં તાત્કાલિક માતા પોતાની દીકરીને લઈ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયાન જ બાળકીનું મોત નિપજ્યું હતું.

સિક્કા પોલીસે પોક્સો કલમ હેઠળ કરી નરાધમી મામાની ધરપકડ  

સમગ્ર ઘટનાની સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે 8 વર્ષની માસુમ બાળકીની હત્યા અને શારીરિક અડપલાં  કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા નીતિન માણેક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નરાધમી મામાની ધરપકડ કરી લીધી છે.જામનગરમાં મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી ઘટના, આઠ વર્ષની બાળકી સાથે અડપલાં બાદ હત્યા 2 - image


Tags :