રાજકોટમાં શાળાના આચાર્યએ 4 છાત્રાઓ સાથે અડપલાં કર્યાં
શિક્ષણ જગતને શર્મસાર અને કલંકિત કરતો કિસ્સો : ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી રાતોરાત આરોપીને ઝડપી લીધો
રાજકોટ, : રાજકોટના શિક્ષણ જગતને શર્મસાર અને કલંકિત કરતો, વાલી જગતમાં ચિંતા જગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હરિ ધવા ચોક પાસે રામેશ્વર વાડીની સામે આવેલ શ્રી શ્રી સરસ્વતિ શૈક્ષણિક સંકુલના આચાર્ય રાકેશ વશરામ સોરઠીયા (ઉ.વ. 37, રહે. શિવમ પાર્ક શેરી નં. 1, બાપા સીતારામ ચોક, મવડી) એ એક નહીં પરંતુ ચાર-ચાર છાત્રાઓને અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવી જાતિય સતામણી (શારીરિક અડપલા) કર્યાનો ચોંકાવનારો બનાવ ભક્તિનગર પોલીસમાં જાહેર થયો છે. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ધો. 8માં અભ્યાસ કરતી 14 વર્ષની છાત્રાની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસને જણાવ્યું કે તેની પુત્રી બપોરની શિફટમાં અભ્યાસ કરે છે. ગઇ તા. 20ના રોજ તેની પુત્રીએ તેને કહ્યું કે મમ્મી મારે હવે સરસ્વતિ સ્કૂલમાં ભણવું નથી, તમે મારું સર્ટિફિકેટ કઢાવી લો. જેથી તેણે પુત્રીને કારણ પૂછતા કહ્યું કે ગઇ તા. 4 માર્ચના રોજ બપોરે તે અને ધો. 5માં અભ્યાસ કરતી છાત્રા પ્રિન્સિપાલ રાકેશ સરની ઓફિસમાં સરસ્વતિ માતાની છબીને ફૂલ ચડાવવા ગયા હતા.
તે વખતે રાકેશ સરે તેને કહ્યું કે તું આજે કેમ ફૂલ લાવી છો, જેથી તેણે માતાજીને ચડાવવા લઇ આવ્યાનું કહ્યું હતું. તેણે મોઢા ઉપર માસ્ક બાંધ્યું હોવાથી રાકેશ સરે માસ્ક પહેરવાનું કારણ પૂછતા તેણે તડકાને કારણે પહેર્યાનું કહ્યું હતું. ત્યારબાદ રાકેશ સરે તેને તને શરદી થઇ ગઇ છે તેમ કહી ઘણી વાતો કર્યા બાદ સાથે રહેલી છાત્રાને ઉપર મોકલી દીધી હતી.
ત્યારબાદ દરવાજો બંધ કરી મારે તને હગ કરવું છે તેમ કહેતા તે નીચું જોઇ ગઇ હતી અને કોઇ જવાબ આપ્યો ન હતો. તે સાથે જ રાકેશ સરે તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લાંબો કર્યો હતો. આ રીતે તેની સાથે હાથ મિલાવ્યા બાદ પૂછ્યું કે તારે પ્રાર્થના કરવી છે, તેણે હા પાડતાં તેને જવાનું કહ્યું હતું. આ વાત તેની પુત્રીએ તેના ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ બહેનપણીઓને કરી હતી. એટલું જ નહીં એક શિક્ષિકાને પણ આ વાત કરતાં તેણે વાલીઓને જાણ કરવાનું કહ્યું હતું. આ પછી તેણે બીજા એક શિક્ષકને પણ આ વાત જણાવી હતી.
તેની પુત્રી જન્મદિવસે ક્લાસમાં બધાને ચોકલેટ આપવા નીકળી હતી તે વખતે રાકેશ સર ધો. 7ના ક્લાસમાં લેકચર આપતા હતાં. તેને ચોકલેટ આપવા જતાં તેની પુત્રીનો હાથ પકડી લીધો હતો.
ભોગ બનનાર છાત્રાની માતાએ વધુમાં પોલીસને જણાવ્યું કે તેણે અને તેના પતિએ બીજી છાત્રાઓના વાલીઓનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે ધો. 5માં અભ્યાસ કરતી છાત્રાને પણ રાકેશ સરે હગ કરી બથ ભરી લીધી હતી. જ્યારે ધો. 8માં તેની પુત્રી સાથે અભ્યાસ કરતી એક છાત્રાને ઓફિસમાં બોલાવી, દરવાજો બંધ કરી દીધો હતો. એટલું જ નહીં પ્રાર્થના વખતે ખભા પર હાથ રાખ્યો હતો. આ જ રીતે ધો. ૫માં અભ્યાસ કરતી છાત્રાનો પણ હાથ પકડી લીધો હતો એટલું જ નહીં કમરે પણ હાથ ફેરવ્યો હતો.
આ રીતે તમામ ભોગ બનનાર વાલીઓએ ભેગા મળી ગઇકાલે રાત્રે ભક્તિનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા ધ્યાને લઇ પીઆઈ એમ.એમ. સરવૈયા અને રાઇટર નીલેશ મકવાણાએ તત્કાળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. તેણે અન્ય છાત્રાઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસ હવે તપાસ કરી રહી છે.
આરોપી આમ આદમી પાર્ટીનો પ્રભારી, એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી
રાજકોટ, : આરોપી રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીનો પ્રભારી છે. તેણે 2021માં કોર્પોરેટર તરીકે ચૂંટણી પણ લડી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું કે ગોંડલ રોડ પર સનફલેમ ઇન્ટરનેશનલ નામની બીજી સ્કૂલ પણ ધરાવે છે. જ્યાં છાત્રાઓની જાતિય સતામણી થઇ તે સ્કૂલમાં કુલ 60 છાત્ર-છાત્રા છે. જેમાંથી 12એ RTE હેઠળ એડમિશન મેળવ્યું છે. ભોગ બનનાર ચારેય છાત્રાઓએ પણ RTE હેઠળ એડમિશન મેળવ્યું હતું. આરોપીએ એરોનોટીકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.