ઠગ હીરા કારખાનેદારે પાલિતાણાને 3 વેપારીઓને પણ રૂ. 43.29 લાખનો ચૂનો લગાવ્યો
- હીરાના 3 વેપારી સાથે રૂા. 62.78 લાખની ઠગાઈ કનાર કારખાનેદાર સામે વધુ એક ફરિયાદ
- પાલીતાણાના વેપારીઓએ દલાલ મારફત હીરા આપ્યા હતા વાયદો પૂરો થવા છતાં બાકી રકમ ચૂકવી ન હતી
ભાવનગર : ભાવનગરમાં હીરાના વેપારીઓ સાથે રૂ. ૬૨.૭૮ લાખના હીરા મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર હીરા કારખાનેદાર સામે દિન-પ્રતિદિન કાયદાનો ગાળિયો વધુને વધુ મજબૂત બની રહ્યો છે. ઠગાઈની બે અલગ-અલગ પોલીસ ફરિયાદમાં પોલીસના હાથે ઝડપાયેલાં હીરા કારખાનેદારે પાલીતાણાના હીરાના ત્રણ વેપારીઓએ પાસેથી પણ રૂ.૪૨.૨૯ લાખની ઠગાઈ આચર્યાનું ખુલ્યું હતું. કારખાનેદાર વિરૂદ્ધ આજે વધુ એક પોલીસ ફરિયાદ નિમલબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ભાવનગર શહેર અને જિલ્લાના હીરા બજારમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં હીરાનું કારખાનું ધરાવતા અને હીરાની લે વેચનું કામ કરતા રમેશ ઉર્ફે આર.વી. પટેલ વલ્લભભાઈ વૈષ્ણવ ( રહે. મૂળ સુર્યાપરા, તા.જિ.જામનગર, હાલ રહે. ફ્લેટ નં.૧૦૧ શિવશક્તિ રેસીડેન્સી, શાંતિનગર, પટેલ હોન્ડા શોરૂમની પાછળ, ચિત્રા,ભાવનગર ) એ સ્થાનિક હીરા બજારમાં હીરાનું કારખાનું ચલાવી તેમજ હીરાની લે વેચ કરી હીરા બજારમાં શાખ મેળવી હતી. રમેશ ઉર્ફે આર.વી. પટેલે ભાવનગરમાં હીરાના ત્રણ વેપારીઓ પાસેથી અલગ અલગ સમયે રૂ.૬૨,૭૮,૩૩૩ ના હીરા વેચાણ માટે લીધા બાદ પોતાનું હીરાનું કારખાનું ઓફિસ અને ઘર બંધ કરી ફરાર થઈ જતા તેની વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથક અને બોરતળાવ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ તળે અલગ અલગ બે પોલીસ ફરિયાદ થઈ હતી. હીરા બજારમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાને ગંભીરતાથી લઈને એલસીબી પોલીસે સઘન તપાસ હાથ ધરી ઠગબાજ કારખાનેદાર રમેશ ઉર્ફે આર.વી. પટેલ વલ્લભભાઈ વૈષ્ણવની ધરપકડ કરી રૂ.૫૫.૫૫ લાખના હીરા, કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂ.૫૮,૮૫,૭૫૭ નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસની તપાસમાં આ શખ્સને અગાઉ હીરા અને સોડાના ધંધામાં ખોટ ગયેલ હોય લેણું થઈ જતા આ લેણું ચૂકવવા માટે હીરાના વેપારીઓ પાસેથી મોંઘા ભાવે હીરા ખરીદ કરી સસ્તા ભાવે વેચી દેવા પડતા હોવાથી વધુ લેણામાં આવી ગયો હતો, આથી તેણે આ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ખુલ્લુ હતું. છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ઝડપાયેલ ઠગબાજે ભાવનગર ઉપરાંત પાલીતાણાના હીરાના ત્રણ વેપારીઓ પાસેથી પણ રૂ.૪૩,૨૯,૬૯૭ ના હીરા ખરીદ કર્યા બાદ તેનું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પાલિતાણામાં રહેતા ગોપાલભાઈ ભીખાભાઈ પરમારે ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં એવા ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૦૫ ડિસેમ્બર ૨૦૨૪ થી તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી તેમજ તેમના ભાગીદાર વશરામભાઈ નરસીભાઇ ખડેલા અને અરવિંદભાઈ ખાટાભાઈ ચૌહાણ ( રહે.બંને પાલીતાણા)એ રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ ઉર્ફે આર.વી. પટેલને ભાવનગર ખાતે દલાલ રમેશભાઈ દુલાભાઈ વિરાણી હસ્તક રૂ.૪૩.૨૯ લાખના હીરા વેચવા માટે આપ્યા હતા અને ઉધારીનો સમય પૂરો થતા બાકી રકમની ઉઘરાણી કરતા રમેશ ઉર્ફે આર.વી. પટેલે જણાવ્યું હતું કે,' હું જે જગ્યાએ હીરા વેચું છું તે દિલ્હીના વેપારીની દુકાનમાં કસ્ટમની રેડ પડી હોવાથી પેમેન્ટ મળવામાં મોડું થશે.' ત્યારબાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. આ મામલે નીલમબાગ પોલીસે રમેશ ઉર્ફે આર.વી.પટેલ વલ્લભભાઈ વૈષ્ણવ વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો દાખલ કર્યો છે. આમ આ શખ્સ વિરુદ્ધ બે પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ઠગબાજે કયા વેપારી સાથે કેટલી રકમની છેતરપિંડી કરી?
પાલીતાણાના ત્રણ વેપારીઓ પાસેથી હીરા ખરીદ્યા બાદ આરવી પટેલ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીમાં ગોપાલભાઈ ભીખાભાઈ પરમાર પાસેથી અલગ અલગ સમયે છ વખત ખરીદી કરી કુલ રૂ. ૩૫,૪૭,૨૫૯ તેમજ ગોપાલભાઈ પરમારના ભાગીદાર વશરામભાઈ નરસિંહભાઈ ખડેલા પાસેથી અલગ અલગ સમયે બે વખત રૂ.૫,૦૩,૦૬૮ ની કિંમતના હીરાની ખરીદી કરી હોવનું તેમ જ અરવિંદભાઈ ખાટાભાઈ ચૌહાણ પાસેથી પણ રૂ.૨,૪૯,૩૭૦ ના હીરા મળી કુલ રૂ.૪૩,૨૯,૬૯૭ ની કિંમતના હીરાની ખરીદી કર્યા બાદ તેની રકમ નહિ ચૂકવી છેતરપિંડી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.