ભાગ્યે જ જોવા મળતું કાંટાળા ઉંદર તરીકે ઓળખાતું 'શેળો' પ્રાણી મળ્યું
પીઠ ઉપર શાહુડી જેવા કાંટા પોતાના રક્ષણ માટે મદદ કરે છેઃ જંતુભક્ષી શેળો મોટાભાગે કાંટાવાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે
સુરત,
સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું શેળો (Hedge Hog)દ આજે સુરતના આભવા વિસ્તારમાંથી મળી આવ્યું છે. શહેરમાં પહેલીવાર દેખાયેલા આ પ્રાણીને જોઇને પર્યાવરણ અને જીવદયાપ્રેમીઓમાં પણ કુતુહલ ફેલાયું છે.
આભવા ગામ એરપોર્ટ નજીક ઉંદર જેવું અને શાહુડી જેવા કાંટા ધરાવતા શરીરવાળું પ્રાણી જોવા મળ્યું છે તેવો કોલ નેચર ક્લબને મળ્યો હતો. જેથી સ્વયંસેવકો જાનવરને પ્રાથમિક સારવાર આપવા સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે જાણ થઇ કે જાનવર શેળો (Hedge Hog) છે. આ દુર્લભ પ્રાણી છે. તેને રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જોકે, ડોકટરની તપાસમાં શેળો સ્વસ્થ જણાયું છે. જેથી નેચર ક્લબ વન વિભાગ સાથે મળીને તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરશે.
સ્વયંસેવક અજીત પટેલે કહ્યું કે, લાંબા કાનવાળો ભારતીય
શેળો પ્રમાણમાં નાનો છે.તે નિશાચર છે અને મોટાભાગે દરમાં રહે છે. તેની પીઠ ઉપર સ્નાયુના
આવરણમાં જડાયેલા કાંટા હોય છે. જે બેગ જેવું માળખું બનાવે છે. ત્યાં પોતાના રક્ષણ માટે
છુપાવી શકે છે. શિકારીથી બચવા તે પોતાની કરોડરજ્જુ પણ ઉભી કરી શકે છે. તેને મોટા કાન
અને આંખો તેમજ મુંછો હોવાથી સંવેદના વિકસીત છે. આ ઇન્ડ્રિયો ગંધ પારખે છે તેથી ખોરાક
શોધવામાં મદદ કરે છે. શેળો જંતુભક્ષી છે અને કાંટાવાળા વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ
કરે છે. શહેરમાં આ પ્રાણી પહેલીવાર જોવા મળ્યું છે