રાજકોટનાં કારખાનેદારને હનિટ્રેપમાં ફસાવી યાત્રાધામ દ્વારકામાં રૂ. 1.20 કરોડ પડાવ્યા
એક યુવતી અને પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોનું કારસ્તાન સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી યુવતીએ વેપારીને દ્વારકા દર્શન માટે બોલાવ્યા બાદ રસ્તામાં નકલી પોલીસે આંતરીને ડ્રગ્સ અને દૂષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ.10 કરોડ માંગ્યા
ખંભાળિયા,દ્વારકા,: દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો હનીટ્રેપ કેસ નોંધાયો છે. રાજકોટના એક પ્રતિતિ કારખાનેદાર પાસેથી 1.20 કરોડ રૂપિયા પડાવી લેવા મામલે એક યુવતી અને બે નકલી પોલીસમેન સામે ગુનો દાખલ થયો છે. જેમાં સોશિયલ મીડિયા પર એક યુવતીએ વેપારી સાથે મિત્રતા કેળવીને દ્વારકા દર્શન માટે બોલાવ્યા હતા. જ્યાં રસ્તામાં પોલીસ વર્દીધારી બે શખ્સોએ વેપારીની કાર રોકીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને આંગડિયા મારફતે 1.20 કરોડ રૂપિયા પડાવ્યા હતા. બાકીની રકમ માટે યુવતીએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
રાજકોટમાં અમીન માર્ગ પર પંચવટી સોસાયટીમાં રહેતા અને જવેલરી ડિઝાઈન ટુલ્સનું કારખાનું ધરાવતા નરેશભાઈ દેવરાજભાઈ સોરઠીયા (ઉ. 64)એ આરસુ સિંઘ ઉર્ફે નિકીતા નામની યુવતી તથા પોલીસ ડ્રેસમાં આવેલા સંજય કરંગીયા અને એસ.જે. સોલંકી નામવાળા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું તેમણે જણાવ્યું છે કે, દસેક દિવસ પહેલા મોબાઈલ ફોનમાં ટીંડર એપ્લીકેશનનાં માધ્યમથી આરશુ સિંઘ ઉર્ફે નિકીતા નામની યુવતી સંપર્કમાં આવી હતી. જેણે એકાદ સપ્તાહ સારી-સારી વાતચીત કરીને મિત્રતા કેળવ્યા બાદ દ્વારકા જઈને દર્શન કર્યા બાદ સંબંધ આગળ વધારવાની લાલચ આપી હતી.
જેથી બન્ને એક-બે વખત રાજકોટમાં રૂબરૂ મળ્યા બાદ તા.૨૩મીએ કાર લઈને બન્ને દ્વારકા જવા રવાના થયા હતા. આ દરમિયાન ઓખામઢી ટોલનાકાથી દ્વારકા તરફ પાંચેક કી.મી. દુર પહોંચતા સંજય કરંગીયા તથા એસ.જે. સોલંકી નામવાળા બે શખ્સોએ પોલીસ ડ્રેસમાં નંબર પ્લેટ વિનાની સફેદ કલરની કારમાં આવીને તેઓને અટકાવ્યા હતા. બાદમાં તેઓએ ચેકીંગ કરતા નિકીતાની બેગમાંથી સફેદ કલરના પાવડરની પડીકી નીકળી હતી, જે લઈને બન્ને શખ્સોએ કહ્યું કે, 'આ તો ડ્રગ્સ છે. તમે દેશદ્રોહનો ગુનો કર્યો છે.' આ સાથે પોલીસ કેસ કરવાની ધાક-ધમકી આપી હતી.
આ દરમિયાન નિકીતાએ સેટીંગ કરવાનું કહીને બન્ને પોલીસવાળા સાથે રૂ. 10 કરોડમાં સેટલમેન્ટ નક્કી કર્યું હતું. જેથી કારખાનેદાર નરેશભાઈ સોરઠીયાએ પોતાના પુત્રને ફોન કરીને તાબડતોબ આંગડીયા પેઢી મારફતે દ્વારકા ખાતે એક કરોડ વીસ લાખ રૂપિયા મંગાવ્યા હતા, જે પોલીસની વર્દી પહેરેલા બન્ને શખ્સો લઈને જતાં રહ્યા હતા. બાદમાં હનિટ્રેપમાં ફસાયાની ખબર પડી જતાં નિકીતાએ પણ બાકીને રૂપિયા માંગીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કોઈ પર્વતભાઈ આર્મીમેન નામના તેના ભાઈ સાથે ફોનમાં વાત કરાવી જાનથી મારી નાખવાની ધમકી અપાવીને નાસી છૂટી હતી. જેથી કારખાનેદારે યુવતી સહિત ચારેય શખ્સો વિરૂધ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ ચાલુ કરાયો છે.