ભટારના શિવાની એપાર્ટમેન્ટમાંથી 2.480 કિલોગ્રામ અફીણ સાથે રાજસ્થાની યુવાન પકડાયો
-ટેમ્પો ચલાવવાનું બંધ કરી ભાગીદારીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યુ હતુ, પરંતુ ભાગીદારે છેતરપિંડી કરતા 8 થી 9 લાખનું દેવુ થઇ ગયું હતું
- બસ અને ટ્રેનમાં જાતે જ વતનથી અફીણ લાવી છૂટકમાં વેચાણ કરતો હતોઃ કુલ રૂ. 12.77 લાખનો મુદ્દામાલ કબ્જે લીધોઃ
સુરત
ભટારના શિવાની એપાર્ટમેન્ટમાં દરોડા પાડી પોલીસે 2480.06 ગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાની યુવાનને ઝડપી પાડી કુલ રૂ. 12.40 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીનસી પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્રોઇડરીના ધંધામાં ભાગીદારે પોતાની સાથે છેતરપિંડી કરતા 8 થી 9 લાખ રૂપિયાનું દેવું થઇ જતા પાંચ-છ મહિનાથી નશીલા પદાર્થ અફીણનો ધંધો શરૂ કર્યો હોવાની કબૂલાત કરી છે.
ખટોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ભટારના શ્રીરામ માર્બલની સામે શિવાની કોમ્પ્લેક્ષના ફ્લેટ નં. ડી/304 માં રહેતા હનુમાનરામ છોટુરામ ચૌધરી (ઉ.વ. 40 મૂળ રહે. મોરેરા, તા. મેડતા. નાગોર, રાજસ્થાન) ને ત્યાં દરોડા પાડયા હતા. ફ્લેટમાં સર્ચ દરમિયાન પોલીસને 2480.06 ગ્રામ અફીણ કિંમત રૂ. 12.40 લાખ, ઇલેક્ટ્રીક વજન કાંટો રૂ. 2 હજાર, ગ્રાહકોને અફીણ પેક કરી ડિલીવરી આપવા માટેની 98 નંગ થેલી અને મોબાઇલ વિગેરે મળી કુલ રૂ. 12.77 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે હનુમાનરામ વિરૂધ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી. હનુમાનરામે કબૂલાત કરી હતી કે અગાઉ સચિન અને સચિન જીઆઇડીસી વિસ્તારમાં ટેમ્પો ચલાવતો હતો. ત્યાર બાદ ટેમ્પો વેચી દઇ ભાગીદારીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યુ હતું. પરંતુ ભાગીદાર દ્વારા પોતાની સાથે છેતરપિંડી કરતા અંદાજે 8 થી 9 લાખ રૂપિયાનું દેવુ થઇ ગયું હતું. જેથી દેવુ ચુકતે કરવા અને આર્થિક રીતે સધ્ધર થવા માટે છેલ્લા પાંચ-છ મહિનાથી વતન રાજસ્થાનથી બસ અને ટ્રેનમાં જાતે જ અફીણની હેરાફેરી કરી છૂટકમાં વેચાણ કરવાનું ચાલુ કર્યુ હોવાની કબૂલાત કરી હતી.