રાજકોટમાં ઓફિસમાં ધમધમતી ઘોડીપાસાની ક્લબ પર દરોડો
2 સૂત્રધારો અને 23 પંટરોની ધરપકડ : દોઢેક માસથી જુદા-જુદા સ્થળે જુગારની ક્લબ ચલાવી હતી : શહેરની વચ્ચોવચ્ચ જુગારની ક્લબ ચાલુ કરવાની હિંમત કઇ રીતે કરી તે બાબતે ચર્ચા
રાજકોટ, : રાજકોટની મધ્યમાં 24 કલાક ધમધમતા રહેતા શાસ્ત્રીમેદાન નજીકના એવરેસ્ટ બિલ્ડીંગના નવમા માળે આવેલી ઓફિસ નં. 906 માં શરૂ કરાયેલી ઘોડીપાસાની ક્લબ ઉપર ગઇકાલે મધરાતે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી બે મુખ્ય સૂત્રધારો સહિત 25 શખ્સોને રૂા. 2.85 લાખની રોકડ રકમ સાથે ઝડપી લતા ચર્ચા જાગી છે.
સામાન્ય રીતે જુગારીયાઓ શહેરના છેવાડાના વિસ્તારો કે વાડીઓમાં ક્લબો ચલાવે છે પરંતુ આ કિસ્સામાં શહેરની મધ્યમાં આવેલી ઓફિસને પસંદ કરવામાં આવી હોવાથી જુગારીયાઓમાં આટલી બધી હિંમત કઇ રીતે આવી તે બાબતે પણ અનેક સવાલો ઉઠયા છે.
એ ડીવીઝનના કોન્સ્ટેબલ જગદીશભાઈ વાંક અને ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઈ ડી.એમ. હરીપરાએ ગઇકાલે મોડીરાત્રે આ જુગારની ક્લબ ઉપર દરોડો પાડતાં જુગારીયાઓ ડઘાઇ ગયા હતા. સ્થળ પરથી પોલીસે બે મુખ્ય સૂત્રધારો અને ૨૩ પંટરો સહિત કુલ ૨૫ની ધરપકડ કરી હતી. સ્થળ પરથી એક મોબાઇલ ફોન, બે ઘોડીપાસા અને રૂા. ૨.૮૫ લાખની રોકડ રકમ મળી કુલ રૂા. ૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મુખ્ય સૂત્રધારો તરીકે મોહસીન મહમદહુસેન પઠાણ (ઉ.વ. 33, રહે. પરસાણાનગર) અને મોહસીન સલીમભાઈ મોટાણી (ઉ.વ. 32, રહે. પરસાણાનગર)ના નામ ખૂલ્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. જેમાંથી મોહસીન પઠાણના પિતા ડીસમીસ પોલીસમેન છે.
વધુમાં પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આરોપીઓ છેલ્લા દોઢેક મહિનાથી જુદી-જુદી જગ્યાએ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ જુગારની ક્લબ ચલાવતા હોવાની માહિતી મળી છે. ગઇકાલે રાત્રે જે ઓફિસમાં દરોડો પડયો ત્યાં ત્રણથી ચાર દિવસથી જુગાર રમાડતા હોવાની માહિતી મળી છે. જેની હાલ ખરાઇ કરવામાં આવી રહી છે.
આ સ્થળેથી ઝડપાયેલા પંટરોને મોબાઈલ ફોન સાથે સાથે લઇ આવવાની સ્પષ્ટ મનાઇ ફરમાવવામાં આવી હતી. જેને કારણે એક પણ પંટર પાસેથી મોબાઈલ ફોન મળ્યો નથી. મુખ્ય સૂત્રધાર મોહસીન જ માત્ર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો. જેને કબ્જે લેવામાં આવ્યો છે. જે રીતે રોકડ રકમ પકડાઇ છે તે જોતાં મોટાપાયે જુગાર રમાતો હોવાનું સ્પષ્ટ બન્યું છે. પંટરોને કોઇ વાહનો લઇ આવવાની પણ મનાઇ ફરમાવાઇ હતી. સૂત્રધાર મોહસીન જ પંટરોને રિક્ષામાં બેસાડી ઓફિસે લઇ આવતો હતો.
જુગારની ક્લબમાંથી પકડાયેલા 25 આરોપીઓ
રાજકોટ, : જુગારની ક્લબમાંથી બે સૂત્રધારો મોહસીન પઠાણ અને મોહસીન મોટાણી ઉપરાંત જગદીશ વિભાભાઈ રાતડીયા, મયુર રમેશ બાંભવા, તનવીર રફીક શીશાંગીયા, અમીન જહુર શીશાંગીયા, નૈમિષ શામજીભાઈ નોંધણવદરા, અમીત જીતેન્દ્ર સોલંકી, બશીર અમીન ગરાણા, સલીમ હાજીભાઇ સુમરા, ઇમરાન સતારભાઈ મીઠાણી, અસ્લમ મહમદ કલર, હાજીભાઈ ઉંમરભાઈ ખીરા, શૌકત હુસેનભાઈ કરગથરા, વિજય નારણભાઈ સોલંકી, ઇમ્તીયાઝ મહમદ ગરાણા, સરફરાઝ અબ્દુલ દલવાણી, સિરાજ કાદરભાઇ સુમરા, ઇકબાલ કાસમભાઈ સમા, સદામ સુલતાન સલોત, આમદ બોદુભાઈ ખીરાણી, અશ્વિન પ્રેમજી ગોહેલ, વિશાલ ભીખુભા રાબા, વિનોદ છગન પ્રજાપતિ અને નરોત્તમ હીરજી મકવાણા ઝડપાયા હતા.