સોમનાથ દાદાને વૈષ્ણવદર્શન શૃંગાર, મંદિરમાં પોણો લાખ ભાવિકો ઉમટયા
સૌરાષ્ટ્રમાં અંતિમ સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી : રાજકોટમાં રામનાથ મહાદેવની વરણાગીમાં ચિક્કાર જનમેદનીઃ નાગેશ્વર, ઘેલા સોમનાથ, જડેશ્વર,ભવનાથ સહિત શિવમંદિરોએ લાખો દર્શનાર્થીઓ
રાજકોટ, : શ્રાવણ માસના આજે અંતિમ, 4થા સોમવારે સૌરાષ્ટ્રના તમામ શિવમંદિરોમાં અગાઉના સોમવારો કરતા પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. સ્કંદ પુરાણમાં કહેવાયું છે 'શિવસ્ય હૃદયમ્ વિષ્ણું, વિષ્ણોશ્ચ હૃદયં શિવઃ' અર્થાત્ શિવના હૃદયમાં વિષ્ણુ અને વિષ્ણુના હૃદયમાં શિવનો વાસ છે તે કથન અનુસાર જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે અંતિમ સોમવાર અને શ્રાવણ વદ એકાદશીના દિવસે વૈષ્ણવ દર્શન શુંગાર કરવામાં આવ્યો હતો જેનો મંદિરમાં લાંબી કતારોમાં ઉભા રહીને રાત્રિ સુધીમાં આશરે 75,000 ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
સવારે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીમાં ભાવિકોની અવિરત કતારો જોવા મળી હતી, હર હર મહાદેવના નાદ સાથે પ્રભાતક્ષેત્ર ગુંજી ઉઠયું હતું. 28 ધ્વજારોહણ, 41 સોમેશ્વર મહાપુજા અને મહામૃત્યુંજય યજ્ઞાનો લાભ 1129 ભક્તોએ લીધો તેમાં આજે 23,700 આહુતિઓ અપાઈ હતી. અત્યાર સુધીમાં 12,800 ભક્તોએ નોંધાવેલ યજ્ઞામાં કૂલ 2.68 લાખ આહુતિઓ અપાઈ છે. આજે સોમનાથ દાદાની પાલખીયાત્રા નીકળી હતી અને સમગ્ર પરિસર બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું હતું. હજારો શિવભક્તો , કાવડીયાઓ પદયાત્રા કરીને આવતા હોય જુનાગઢથી ઉના સુધી રોડ પર ઠેરઠેર હજારો શિવભક્તોની લાઈન લાગી હતી.
રાજકોટમાં આજે ગ્રામદેવતા, 500 વર્ષથી સ્થાપિત મંદિરમાં બીરાજતા સ્વયંભુ રામનાથ મહાદેવની વરણાગી નીકળતા સમગ્ર માર્ગ પર હજારો ભાવિકો ઉમટી પડતા માનવસાગર લહેરાતો નજરે પડયો હતો.
સૌરાષ્ટ્રમાં દ્વારકા પાસે આવેલા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિર, ગીરનારની ગોદમાં ભવનાથ સહિતના શિવમંદિરો, છોટેકાશી જામનગરના ઐતહાસિક શિવાલયો, વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવ, જસદણ પાસે ઘેલા સોમનાથ મહાદેવ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિવમંદિરોમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભોળાનાથને શીશ ઝુકાવવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
સોમનાથમાં રોજ સવા લાખ બિલ્વપત્રો અર્પણ કરાય છે
રાજકોટ, : સોમનાથ મહાદેવ મંદિરને તિર્થના પુરોહિતો દ્વારા દૈનિક 1.25 લાખ બિલ્વપત્રો ચડાવાય છે. ભગવાન શિવજીને મોંઘાદાટ આભુષણોથી નહીં પરંતુ, સહજ સુલભ બિલ્વ વૃક્ષના પર્ણોથી રીઝવવામાં આવે છે અને ભોળાનાથ ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે 21 વર્ષથી બિલ્વ વનનું સંવર્ધન કરતા બિલ્વપત્ર મેળવવામાં મૂશ્કેલી થતી નથી. ટ્રસ્ટના 16 કર્મચારીઓ આ બિલ્વપત્રો ચૂંટે છે.