અંબાજી મંદિર ખાતે માતાજીના સોના અને ચાંદીના આભૂષણોનો જથ્થો મળી આવ્યો
બીજે દિવસે ગિરનાર પર બ્રહ્મલીન મહંતના અસ્કયામતની તપાસ
વહીવટી તંત્ર દ્વારા બે પેટીમાંથી એક પેટીની ગણના કરી યાદી બનાવી, આગામી સમયમાં હજુ એક પેટીની કરવામાં આવશે ગણના
અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતાની સાથે જ વિવાદ શરૂ થયો છે. કલેક્ટર દ્વારા અંબાજી, ભીડભંજન અને ગુરૂ દત્તાત્રેય મંદિરમાં વહિવટદારની નિમણુંક કરી દીધી છે. અંબાજી અને ભીડભંજન મંદિરના મહંત તરીકે તનસુખગીરી હતા હવે નવા મહંતની નિમણુંક ન થાય ત્યાં સુધી વહિવટદાર દ્વારા તેમનું સંચાલન કરવામાં આવશે. બ્રહ્મલીન મહંતના અસ્કયામતની બે દિવસથી ગણતરી ચાલી રહી છે. ગઈકાલે ભીડભંજન ખાતે દિવસભર દોડધામ ચાલી અને સામાન્ય એવા સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ મળી આવી હતી. જે પ્રમાણેની આશા હતી તેવું કંઈ ન નીકળતા બ્રહ્મલીન મહંતના કરોડપતિ આસામી બનવાના સપના પર પાણી ફરી વળ્યું હતું. કાલની જેમ આજે પણ બપોર બાદ મામલતદારની ટીમ સાધુ-સંતો, પરિવારજનો, પ્રતિનિધિઓની હાજરીમાં અંબાજી મંદિર ખાતે અસ્કયામતની ગણના શરૂ કરી હતી.
મંદિર ખાતે કુલ બે પેટીમાં માતાજીના દરદાગીના સહિતની ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે પેટીમાં માતાજીના દાગીના હતા તેને સૌપ્રથમ ખોલવામાં આવી ત્યારે તેમાંથી સોના-ચાંદીના હાર સહિતની માતાજીના આભૂષણોનો સારો એવો જથ્થો મળ્યો હતો. જ્યારે કોઈપણ જાતની રોકડ મળી નથી. આ જથ્થાની તમામ યાદી સહિતની વિગતોની નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આભૂષણોને પરત પેટીમાં મુકી તેને સીલ મારી દેવામાં આવી હતી. હજુ એક પેટી ખોલવાની બાકી છે. રોપવે બંધ થઈ જાય તેમ હોવાથી એક પેટીને ખોલવાની બાકી રાખી છે. જે પેટી ખોલવાની બાકી છે તેમાં મહત્વની કોઈ ચીજવસ્તુઓ ન હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ સલામતી ખાતર જે પેટી ખોલવાની બાકી છે તેને પણ વહિવટી તંત્રની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવે છે. આગામી સમયમાં આ પેટીને ખોલી તેની તપાસ કરી તેની પણ યાદી તૈયાર કરવામાં આવશે.
- રોપવે બંધ હોવાથી બપોર બાદ કરવી પડી કામગીરી
સવારમાં અધિકારીઓ અને સાધુ-સંતો તથા પ્રતિનિધિઓની ટીમ અંબાજી મંદિર ખાતે અસ્કયામતની તપાસ અર્થે જવા રોપવે ખાતે પહોંચી હતી. ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો હતો. બપોર બાદ પવનની ગતિ ધીમી પડતા રોપવે શરૂ થયા બાદ આ ટીમ રોપવે મારફત અંબાજી મંદિરે પહોંચી અસ્કયામતની ગણના અને તેની યાદી તૈયાર કરી હતી.
- બીજે દિવસે પણ આશા ઠગારી નીવડી
બ્રહ્મલીન મહંતના આસામી બનવાના સપના જોતાઓના ગઈકાલે જ મનની મનમાં રહી ગઈ હતી. બધાને એવી આશા હતી કે, બાપુ પાસેથી સોના-ચાંદી, રોકડની કરોડોની અસ્કયામત નીકળશે પણ એવું કંઈ થયું નહી. આજે પણ જે સોના-ચાંદીના દાગીના અને માતાજીના આભૂષણો છે તેને માતાજી માટે જ રાખવા પડે તેવી સ્થિતિ છે. એટલે આજે પણ એવી આશા હતી કે અંબાજી પર તપાસ દરમ્યાન કંઈક મળશે ? પરંતુ આજે પણ એ આશા ઠગારી નીવડતા નારાજ થઈ ગયા હતા.