આદીવાડામાં મહિલા બૂટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો
- ગાંધીનગરમાં વધતી દારૂની હેરાફેરી વચ્ચે
- પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો : ફરાર મહિલા બૂટલેગર સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે આદીવાડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને મહિલા બુટલેગરના ઘરની સામે ઓરડીમાંથી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દારૂનું વેચાણ બંધ થતું નથી. નાના મોટા બુટલેગરો દ્વારા પર પ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સેક્ટર ૨૧ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાનબાતમી મળી હતી કે, આદિવાડામાં રહેતી રીઢી બુટલેગર સવિતા મુકેશભાઈ દેવીપુજક પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે.જેનાં પગલે આદીવાડાનાં દંતાણી વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘરે સવિતા દેવીપુજક મળી આવી ન હતી અને તેના ઘરની પોલીસે તપાસ કરી હતી અને ઘરની સામે આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂની ૯૬ જેટલી બોટલ મળી આવી હતી જેના પગલે મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂના બુટલેગર ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ જિલ્લામાં દારૂની આ બદી અટકવાનું નામ જ લેતી નથી.