Get The App

માછલીની આડમાં લઈ જવાતો દારૃ બિયરનો જથ્થો પકડાયો

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
માછલીની આડમાં લઈ જવાતો દારૃ બિયરનો જથ્થો પકડાયો 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના ડ્રાઇવરને પકડી ૨.૫૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન માછલીની આડમાં લઈ જવાતો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને ડાલાના ચાલકની ધરપકડ કરી ૨.૫૫ લાખનો મુદ્દામલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવે છે. આ સ્થિતિમાં બુટલેગરો દ્વારા દારૃને ઘુસાડવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર માછલીઓની આડમાં લઈ જવાતા વિદેશી દારૃના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના મુજબ ચીલોડા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, હિંમતનગરથી ચિલોડા તરફ નેશનલ હાઇવે-૪૮ પર એક સફેદ બોલેરો પીકઅપમાં દારૃની હેરાફેરી થઈ રહી છે. જેથી પોલીસે બાતમી મુજબના ડાલાને રોકીને તપાસ કરતા ચાલક કનૈયાલાલ ગોપલ ગુર્જર રહે. ભીલવાડા, રાજસ્થાન મળી આવ્યો હતો. ડાલાની તપાસ કરવામાં આવતા થર્મોકોલના ૨૦ બોક્સમાં મૃત માછલીઓની આડમાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે રૃ. ૫૩ હજારની કિંમતનો દારૃ અને બિયરનો જથ્થો તથા કુલ રૃ. ૨.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મૃત માછલીઓનો નિકાલ રોડની સાઈડમાં કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી કનૈયાલાલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News