217 મતદારોની મતદાન કરવા 82 કિલોમીટરની સફર બંધ, ચૂંટણી પંચે કરી ખાસ વ્યવસ્થા
ચૂંટણી પંચની ઉત્તમ પહેલના કારણે હવે મતદારોએ 82 કિલોમીટર દૂર નહીં જવું પડે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે 217 મતદારો માટે સુલભ વ્યવસ્થા ઉભી કરી
અમદાવાદ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર
ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે અનોખા મતદાન મથકોની ચર્ચાઓ હંમેથા થતી રહી છે, ત્યારે રાજ્યની અનોખી વિધાનસભા બેઠક ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મતદારોનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક સમયે અહીંના મતદારોને મતદાન કરવા માટે 82 કિલોમીટર દૂર જવું પડતું હતું, પછી શું... વાગરા તાલુકાના મતદારોની આ બાબત ચૂંટણી પંચના ધ્યાને આવતા જ ‘100 મતદાન’ના અભિયાનને સાકાર કરવા તેમજ ‘કોઈ મતદાર બાકી ન રહી જાય’ તે ઉદ્દેશ્ય સાથે પંચે સુલભ વ્યવસ્થા ઉભી કરી આપી.
હવે આલિયા બેટના મતદારોએ 82 કિલોમીટર દૂર નહીં જવું પડે
અલિયા બેટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલ એક બેટ છે. આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી કામગીરી રીતે ભરૂચના વાગરા તાલુકા હેઠળ આવે છે. આ તાલુકામાં 116 પુરૂષ મતદારો તેમજ 101 મહિલા મતદારો મળી કુલ 217 મતદારો આવેલા છે. આલિયાબેટ અગાઉ બેઠક ક્રમાંક 151 વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ૬૮-કલાદ્રા-૦૨નો હિસ્સો કહેવાતો હતો, પરંતુ આલિયાબેટ અન્ય રહેવાસીઓથી ઘણું દૂર હતું, જેના કારણે અહીંના મતદારોને બસ મારફતે નજીકમાં આવેલા મતદાન મથક પર લવાયા હતા. એટલું જ નહીં આ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે અંદાજે 82 કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી.
ચૂંટણી પંચની અનોખી પહેલથી મતદારોએ દૂર નહીં જવું પડે
જોકે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ને ધ્યાને રાખી ચૂંટણી પંચે અનોખી પહેલ કરી. આ બાબત ચૂંટણી પંચના ધ્યાને આવતા જ ‘કોઈ મતદાર બાકી ન રહી જાય’ તે ઉદ્દેશ્ય સાથે પંચે સુલભ વ્યવસ્થા ઉભી કરી આપી. ચૂંટણી પંચ દ્વારા આલિયાબેટના મતદારો મતદાન કરી શકે તે માટે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પડાઈ છે, જેના કારણે હવે મતદારોને લાંબો સફર કરવો પડતો નથી અને આ મતદારો પોતાના સ્થળેથી જ મતદાન કરી પોતાનો મતાધિકાર મેળવી શકશે. આમ ચૂંટણી પંચે પણ તમામ નાની-નાની બાબતો પર ધ્યાન રાખી તેમજ ‘કોઈ મતદાર બાકી ન રહી જાય’ તે માટે સંપૂર્ણરીતે કાર્ય કરી છે.