ગુજરાતની આ બેઠક પર ખરાખરીનો જંગ: AIMIM બાદ હવે આ દિગ્ગજ નેતા પણ લડી શકે છે ચૂંટણી

AIMIM પણ ભરૂચની બેઠક પરથી ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતની આ બેઠક પર ખરાખરીનો જંગ: AIMIM બાદ હવે આ દિગ્ગજ નેતા પણ લડી શકે છે ચૂંટણી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ સહિત વિવિધ પક્ષોએ ગુજરાતમાં ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ વખતે ભરૂચ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ભરૂચની બેઠક પરથી ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. આ દરમિયાન ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા પક્ષ 'ભારતીય આદિવાસી સેના'ની સ્થાપના કરી છે અને હવે પોતે ટૂંક સમયમાં ભરૂચ બેઠક પરથી ઉભા રહેવાની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે,આ બેઠક પર AAPએ ચૈતર વસાવાને ટિકિટ આપી છે. તો ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.

ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં એક નવા સંગઠનની રચના થઈ છે. ગુજરાતના દબંગ નેતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે. આ નવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા બન્યા છે.  મહત્ત્વનું છે કે, છોટુ વસાવા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છે અને તેઓ સાત વખત ઝઘડિયાની બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે તેમણે ગત ચૂંટણી લડી ન હતી.

AIMIMએ શું કહ્યું?

AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ કહ્યું છે કે, 'અમારા નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પાર્ટીના ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.' ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને ગાંધીનગર બંને બેઠકો પર મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. અમિત શાહ ગાંધીનગરથી, મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે. બંને નેતાઓ 2024માં પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ભરૂચ લોકસભા બેઠકનું ગણિત?

ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબજો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યા હતા. 

ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી

ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. ત્યારે આ બેઠક જીતવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરવી જ પડશે.

ગુજરાતની આ બેઠક પર ખરાખરીનો જંગ: AIMIM બાદ હવે આ દિગ્ગજ નેતા પણ લડી શકે છે ચૂંટણી 2 - image


Google NewsGoogle News