આદિપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસી પોલીસ કર્મચારીને બચકું ભરી લીધું!
- ત્રણ મહિના જૂની ઘટનાનો બદલો લેવા આંચકારૂપ કૃત્ય
- આદિપુરની હોસ્પિટલમાં ધમાલ મચાવનાર શખ્સે હવે પોલીસની ફરજમાં રૂકાવટ કરી
- પોલીસ સ્ટેશનમાં જ રહે, હમણાં આવું છું ઃ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ પર હુમલો કરી આરોપી નાસી ગયો પછી ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ: આદિપુર પોલીસ મથકે એક વિચિત્ર કિસ્સો બન્યો છે. જેમાં પ્રજાના રક્ષક ખુદ સંકટમાં હોય તેવા ચિત્રો ઉપસી આવ્યા હતા. જેમાં પહેલા ફોન કરી પોલીસ કર્મચારીને ધમકાવી પડકાર ફેકી, પોલીસ મથકે આવ્યા બાદ પોલીસ કર્મચારીના હાથમાં બચકું ભરી અને પોલીસ મથકેથી નાસી જવાનો બનાવ બનતા હવે પોલીસ સ્ટેશનમાં પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે.
આદીપુર પોલીસના કર્મચારી કનુભા ગઢવીએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આજથી ત્રણ મહિના પહેલા આદિપુરની ડીવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે ડોક્ટરો તેમજ દર્દીઓને પરેશાન કરવા સંદર્ભે હોસ્પિટલ દ્વારા પોલીસને ફોન કરી જાણ કરાતા ફરિયાદી હોસ્પિટલ ગયા હતા અને આરોપી શિણાયના રોશન વિશ્વનાથ ઉર્ફે વિષ્ણુનાથ રાય રૂબરૂમાં સમજાવ્યો હતો કે, અહીં હોસ્પિટલમાં જોરજોરથી અવાજ ન કરવો, અન્ય દર્દીઓ પરેશાન થાય છે. જે વાતનું મનદુઃખ રાખી આરોપીએ ગત રોજ ફરિયાદીને ફોન કરી ધમકી આપી કે, તું મને કેમ હોસ્પિટલમાં દબાવતો હતો. તું પોલીસ સ્ટેશનમાં જ રહે, હું આવું છું તેમ કહી પોલીસ સ્ટેશનના તપાસ રૂમમાં આવી ફરિયાદી પોલીસ કર્મચારીને ગાળો આપી, ઝપાઝપી કરી ડાબા હાથના અંગુઠામાં બચકું ભરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.
આરોપીએ ધમકી આપી કે, હું તારી વરદી ઉતરાવી નાખીશ અને જેલમાંથી છુટીને પુરો કરી નાખીશ. આવું કહી આરોપી પોલીસ સ્ટેશન માથી પોલીસ પર હુમલો કર્યા બાદ નાસી ગયો હતો. જે બનાવ બાદ પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી.