વેસુના હીના બંગલો નજીક પેટ્રોલ પંપના કર્મચારીને ચાલુ બાઇક ધક્કો મારી ઝપાઝપી કરી રોકડા રૂ. 4.30 લાખની લૂંટ
- દૈનિક વકરો બેગમાં મુકી ભરથાણા ગામમાં રહેતા શેઠને આપવા જતો હતોઃ પ્રતિકાર કરતા ઝપાઝપી કરી લૂંટારૂ ભરથાણાથી પાંડેસરા તરફ ભાગ્યા
સુરત
વેસુના હીના બંગલો પાસેથી બાઇક ઉપર પસાર થઇ રહેલા આકાશ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના કર્મચારીને ચાલુ બાઇકે ધક્કો મારવા ઉપરાંત ઝપાઝપી કરી રોકડા રૂ. 4.30 લાખની મત્તા લૂંટીને બાઇક સવાર બે લૂંટારૂ ભાગી જતા અલથાણ પોલીસ દોડતી થઇ ગઇ છે.
વેસુ વીઆઇપી રોડ સ્થિત આકાશ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 5 વર્ષથી નોકરી કરતો મેહુલ નરેશ રાઠોડ (ઉ.વ. 28 રહે. છગનકાકાની ચાલની બાજુમાં, ગાર્ડન પાસે, અલથાણ) ગત રોજ સવારે 6 થી બપોરે 2 વાગ્યાની ડ્યુટી બાદ ઘરે ગયો હતો. ત્યાર બાદ રાબેતા મુજબ રાતે 9 વાગ્યે પરત પેટ્રોલ પંપ ઉપર આવ્યો હતો પેટ્રોલ પંપના ધંધાના રોકડા રૂ. 4.30 લાખ કાળા કલરની બેગમાં મુકી પોતાની બાઇક ઉપર ભરથાણા ગામમાં રહેતા શેઠ ધર્મેન્દ્ર ભાયચંદ પટેલના ઘરે આપવા જવા નીકળ્યો હતો. દરમિયાનમાં પેટ્રોલ પંપથી નીકળી હિના બંગલા વાળા રોડ પર હિલ્સ નર્સરી પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી બાઇક ઉપર બે લૂંટારૂ ઘસી આવ્યા હતા. જે પૈકી ચાલકે ચાલુ બાઇકે મેહુલ મુક્કો મારતા તેઓ રોડ પર પટકાયા હતા અને મેહુલે ખભા ઉપર લટકાવેલી રોકડ વાળી બેગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેહુલે પ્રતિકાર કરતા તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને ત્યાર બાદ રોકડ વાળી બેગ લૂંટીને લૂંટારૂઓ બાઇક ઉપર ભરથાણા ગામ તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે મેહુલે તુરંત જ શેઠ અને કંટ્રોલ રૂમમાં જાણ કરતા તુરંત જ અલથાણ પોલીસ ઘસી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં લૂંટારૂઓ ભરથાણા થઇ પાંડેસરા તરફ ભાગી ગયા હોવાથી તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.