મુજમહુડા પાસે ભુવો પડતા કચરાની ગાડી સાથે શખ્સ અંદર ખાબક્યો
શખ્સ કચરો નાંખવા ગયો હતો : ત્રણ મહિના પહેલા પુરાણ કરીને કાર્પેટ કરવામાં આવ્યું હતું, ત્યાં ફરીથી ભુવો પડયો
વડોદરા,મુજમહુડા પાસે ત્રણ મહિના પહેલા પડેલા ભુવાને કોર્પોરેશનના તંત્રએ પૂરી દીધો હતો. પરંતુ, આજે સાંજે ફરીથી તે જ જગ્યાએ ભુવો પડતા કચરાની ગાડી અંદર ઉતરી ગઇ હતી. ગાડીમાં કચરો નાંખવા ગયેલા ફ્રૂટ જ્યુસની લારીવાળો ભુવામાં પડી જતા તેેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.ગાડીના ડ્રાઇવર અને ક્લિનરને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
આ વર્ષે પડેલા ભારે વરસાદે શહેરમાં ત્રણ વખત ઠેર - ઠેર પાણી ભરાઇ ગયા હતા અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે જાહેર માર્ગો પર ભુવા પડવાનો સિલસિલો શરૃ થયો હતો. ભુવો પડયા પછી કોર્પોરેશનના તંત્ર દ્વારા ભુવામાં પુરાણ કરીને ફરીથી કાર્પેટ કરીને રોડ બનાવી દેવામાં આવ્યા હતા. પરંતુ, કેટલાક રોડ પર તે જ સ્થળે ફરીથી ભુવા પડયા હતા. અકોટા ગાય સર્કલ નજીક પડેલા ભુવામાં એક મોપેડ ચાલક પડતા તેને ઇજા થઇ હતી.
ગત ૩ જી સપ્ટેમ્બરે મુજમહુડા સામ્રાજ્ય પાસે ભુવો પડયો હતો. જે ભુવાનું કોર્પોરેશનના તંત્ર દ્વારા પુરાણ કરીને રોડ પર કાર્પેટ કરવામાં આવ્યું હતું. પરંતુ, આજે સાંજે તે સ્થળે ફરીથી ભુવો પડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આજે સાંજે તે સ્થળે કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ભેગી કરતી ગાડી ઉભી હતી. નજીકમાં જ મોસંબીના જ્યુસની લારી ચલાવતા શખ્સ ગાડીમાં કચરો નાંખવા માટે ગયો હતો. તે દરમિયાન અચાનક જ ભુવો પડતા કચરો નાંખવા ગયેલો લારીવાળો પણ ખાડામાં ગરકાવ થઇ ગયો હતો.બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. અંદર ગરકી ગયેલા શખ્સને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે ગાડીના ડ્રાઇવર અને ક્લિનરને પણ ઇજા થઇ હોવાથી તેઓને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા જે.પી.રોડ પોલીસે સ્થળ પર પહોંચી ગઇ હતી.