ભગવાન શ્રીરામ અને હનુમાનજી મિલનની ઝાંખી કરાવતી પેન અયોધ્યા પહોંચશે
પેન ઉપર મંદિરની સાથે રામલલ્લાની મૂર્તિની પ્રતિકૃતિ : રૂા. 1.90 લાખની પેન બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરમાં બની, આચાર્ય રામભદ્રને અર્પણ કરાશે
જામનગર, : ભગવાન શ્રીરામનાં અયોધ્યા મંદિરનનાં નિર્માણ કાર્યમાં અનેક લોકોનો સહયોગ રહ્યો છે. રામ મંદિરની ચળવળમાં અગ્રેસર રહેલાં રામભદ્ર આચાર્યને નવનિર્મિત મંદિર જેવી પ્રતિકૃતિ ધરાવતી પેન ભેટમાં આપવાનો વિચાર એક વર્ષ પહેલાં મૂળ ગુજરાતી એવા શ્રી રાવલજીને આવ્યો હતો. તેમણે જામનગરનાં યુવા ઉદ્યોગપતિને આ કામ સોંપ્યું હતું. આ કામને ચેલેન્જ તરીકે સ્વીકારીને ભગવાન શ્રીરામ અને હનુમાનજીનાં મિલન પ્રસંગની ઝાંખી કરાવતી પેન તૈયાર કરી છે જે સમગ્ર જામનગરની જનતા વતી અયોધ્યા પહોંચશે.
આ પેનની ખાસિયત જોઈએ તો તેમાં રામ અને હનુમાનજીના જંગલમાં થયેલ મિલાપના દ્રશ્યને ધ્યાન રાખીને તે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને તેમાં પેન ઉપર કોતરણી કરી અને મંદિરની પ્રતિકૃતિ અને રામલલાની મૂતની પ્રતિકૃતિ જેવી અદલ જ પેન બનાવવામાં આવી છે. આ 'મેગના કાર્ટ' પેન હિરેનભાઈ દ્વારા જ અયોધ્યા રામ મંદિરના આચાર્ય રામભદ્રને તેમના મિત્ર એવા રાવલજી દ્વારા અર્પણ કરશે. જોકે રાવલજી દ્વારા આ પેનનો ઓર્ડર ચાર્જ સાથે આપવામાં આવેલ હતો, પરંતુ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બંધાઈ રહ્યું છે, તેની ખુશી સમગ્ર ભારત વર્ષને ગર્વ છે, ત્યારે હિરેનભાઈએ પણ આ પેનના રૂપિયા ન લેવાનું નક્કી કરી અને એક લાખ નેવું હજારની પેન ભેટ તરીકે અયોધ્યા પહોંચાડશે, અને સાથે રામ નામ લખેલ માળા પણ સાથે આપશે. રાજ્યમાં બ્રાસ સિટી તરીકે જાણીતા એવા જામનગરની પણ એક પ્રતિકૃતિ પૂરા ભક્તિ ભાવ સાથે અયોધ્યા મંદિર પહોંચશે, જે જામનગર અને હાલાર માટે ગૌરવની વાત બની રહેશે.