આજે વિશ્વ સિંહ દિવસ : ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી 120 દિવસથી પડદાવાળા પાંજરામાં કેદ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
lion


World Lion Day: એશિયાઇ સિંહ ભારતનું ગૌરવ છે અને સિંહના દર્શન ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં થાય છે, પરંતુ એક વર્ષ પહેલાં સૂત્રા નામના સિંહનું મોત નિપજ્યા બાદ એક સિંહણ જ અહીં હતી જેથી શક્કરબાગ ઝુમાંથી સિંહ-સિંહણની જોડી-વસંત-સ્વાતી લાવવામાં આવી હતી. 

સિંહ-સિંહણની જોડીને પાંજરામાં પડદા પાછળ રાખવામાં આવી છે 

માર્ચ માસમાં લાવવામાં આવેલી આ સિંહની જોડીને ઉનાળાના વેકેશન દરમ્યાન મુલાકાતીઓ જોઈ શકે તે માટે પાંજરામાં ખુલ્લી મૂકવાની માંગ હતી, પરંતુ આજ દિન સુધી એટલે કે, આજે જ્યારે વિશ્વ સિંહ દિવસ છે તેમ છતાં આજે પણ આ સિંહ-સિંહણની જોડીના દર્શન મુલાકાતીઓ કરી શક્તા નથી. જેની પાછળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન અટલ બ્રિજ નીચે પિલરના ભાગમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરશે

એશિયાઇ સિંહની સંખ્યામાં નોધપાત્ર વધારો

એશિયાઇ સિંહ ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારના વનવિભાગની મહેનત તથા સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે. વસ્તી વધારો થતા તેના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. 

સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાના 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં કુદરતીરીતે સિંહ જોવા મળતાં નથી તે તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ પાટનગરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પાર્કમાં વર્ષ 2018માં સિંહની જોડીને પડદા પાછળ મૂકવામાં આવી હતી. 

વર્ષ 2021માં આ સિંહની જોડીને નવા આવાસમાં એટલે કે, ઓપન મોટ પ્રકારના પાંજરામાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં કોઈ પણ આડશ વગર કુદરતી વાતાવરણમાં મુલાકાતીઓ તેમને જોઈ શક્તા, પરંતુ લાંબી માંદગી અને વૃદ્ધાવસ્થાને કારણે શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવેલી આ સિંહની જોડી પૈકી સૂત્રા નામના નર સિંહનું ઑગસ્ટ, 2023માં મૃત્યું થયું હતું. 

આ પણ વાંચો: લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે

જેના કારણે ગ્રીવા નામની સિંહણ પાર્કમાં એકલી પડી ગઈ હતી. ત્યારે માર્ચ, 2024માં ઇન્દ્રોડા પાર્કને શક્કરબાગ ઝુમાંથી સબએડલ્ટ કહી શકાય તેવા સિંહની જોડી આપવામાં આવી હતી. ઉનાળાની ગરમીને કારણે તેને ક્વોરેન્ટાઇન રાખવામાં આવી હતી. તે દરમ્યાન શાળાના વેકેશનના સમયે આ સિંહ જોડીને જોવા માટે મૂકવાની માંગ ઊઠી હતી પરંતુ આચારસંહિતાના કારણે તે શક્ય ન બન્યું. 

હવે આ સિંહની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવે 120 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આજે 10મી ઑગસ્ટને 'વિશ્વ સિંહ દિવસ' છે તેમ છતાં તેમને પાંજરામાં મુક્તપણે ફરવા દેવામાં આવતા નથી. વનરાજને પણ ગીર ફાઉન્ડેશનના સંચાલકોએ કેદ કરી દીધો છે જે મુલાકાતીઓ માટે તો દુઃખની બાબત છે જ સાથે ગુજરાતના ગૌરવ ઉપર ડાઘ લાગે તેવી નીતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે.

મહાનુભાવોને સમય મળતો નથી કે સિંહની સ્થિતિ યોગ્ય નથી-પ્રશ્નો

ઇન્દ્રોડાપાર્કમાં સિંહની જોડી લાવે 120 દિવસથી વધુનો સમય થઈ ગયો તેમ છતાં હજુ સુધી મુલાકાતીઓ માટે તે જોઈ શકાય તેમ મૂકવામાં આવી નથી. એટલે કે, તેમના પાંજરાની આડે હજુ પણ પડદા લાગેલા જ છે ત્યારે વારંવાર મુલાકાતીઓ-પ્રકૃતિ પ્રેમીઓ-વાઇલ્ડલાઇફ લવર દ્વારા માંગણી કરવામાં આવી હોવા છતાં પણ પાંજરા આડેથી પડદા નહીં હટતાં અનેક તર્ક વિતર્ક લોકોમાં થયા છે. મુખ્યમંત્રી કે વન મંત્રીને આ સિંહને ઓપનમોટ પ્રકારના પાંજરામાં મૂકવા માટે ટાઇમ નહીં હોય કે પછી સિંહની જોડીને પણ કોઈ રોગ-બીમારી થઈ હશે તેવા પ્રશ્નો હાલ લોકોમાં ઊભા થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ ખાબક્યો, આજે આ જિલ્લામાં આગાહી

વસંત અને સ્વાતી નામની સિંહની જોડી પડદાવાળા પાંજરામાં કેદ કરી દેવાઈ

શક્કરબાગ ઝુમાંથી સિંહની નવી જોડી માર્ચ માસને અંતે આપવામાં આવી હતી. અઢીથી ત્રણ વર્ષના નર સિંહ 'વસંત' તથા માદા સિંહ 'સ્વાતી'ને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી હતી. જ્યારથી આ જોડી લાવવામાં આવી છે ત્યારથી આ સબ એડલ્ટ જોડીને લોકો જોઈ શકે તે રીતે મૂકવામાં આવી નથી. સામાન્ય રીતે સિંહને વનનો રાજા કહેવામાં આવે છે પરંતુ ગીર ફાઉન્ડેશનના સંચાલકોની નીતિને કારણે આ સિંહના પાંજરાના પડદા હટતાં નથી અને આ વનરાજની જોડીને પડદાવાળા પાંજરામાં જ કેદ રાખવાની અમાનવીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેના પગલે વનપ્રેમીઓમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી ફેલાઈ રહી છે.

આજે વિશ્વ સિંહ દિવસ : ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી 120 દિવસથી પડદાવાળા પાંજરામાં કેદ 2 - image


Google NewsGoogle News