કારની અડફેટે દોઢ વર્ષની બાળકીને ગંભીર ઇજા થતા મોત
કારના ટાયરમાં ફસાઇ ગયેલી બાળકી ત્રણ થી ચાર ફૂટ સુધી ઢસડાઇ
વડોદરા,ગોત્રી માત્રીકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રમતી દોઢ વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લેતા બે દિવસની સારવાર પછી તેનું મોત થયું હતું. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વેરાપુરા ગામે રહેતા અરવિંદભાઇ દલયાભાઇ રાઠવા હાલમાં ગોત્રી કલ્પવૃક્ષ કોમ્પલેક્સ પાછળે માત્રી કુંજ સોસાયટીમાં કોમન પ્લોટમાં રહે છે અને કડિયા કામની મજૂરી કરે છે. ગત ૧ લી તારીખે તેઓ સોસાયટીમાં કડિયા કામ કરતા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે તેમના ત્રણ બાળકો કોમન પ્લોટમાં રમતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે પૂરઝડપે આવ્યો હતો અને તેમની દોઢ વર્ષની દીકરી રિતીકાને અડફેટે લીધી હતી. કારના ટાયરમાં ફસાઇ ગયેલી બાળકી ત્રણ થી ચાર ફૂટ ઢસડાઇ હતી. માસૂમ બાળકીને માતા, ખભા તથા કમરના ભાગે ગંભીર ઇજા થતા લોહીલુહાણ થઇ ગઇ હતી. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કાર ચાલક અને તેનો પરિવાર સતત બાળકીની સારવાર દરમિયાન રોકાયા હતા. પરંતુ, બે દિવસની સારવાર પછી બાળકીનું મોત થયું છે. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલક દેવાંશ નિલેશભાઇ શાહ (રહે. માત્રી કુંજ સોસાયટી, ગોત્રી) સામે કાર્યવાહી હાથ ધરી છે. દેવાંશ શાહ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસે તેઓની કાર પણ કબજે લીધી છે.