એપાર્ટમેન્ટના પાર્કીંગમાં કાર ચાલકે દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યો
મવડીના હેમાદ્રી-1 બિલ્ડીંગની ઘટના ટાયર નીચે બાળક આવી જવાથી : કાર થોડી ઉંચી થઈ ત્યારે ચાલકને જાણ થઈ, તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ
રાજકોટ, : મવડીના બાપા સિતારામ ચોકમાં આવેલા હેમાદ્રી-1 બિલ્ડીંગના પાર્કીંગમાં આજે કાર ચાલકે ચોકીદારના દોઢ વર્ષના પુત્રને કચડી નાખતા અરેરાટી મચી ગઈ હતી. રાજકોટ તાલુકા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંાૃધવા તજવીજ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પદમ સાઉદ નામના નેપાળી ચોકીદારનો દોઢ વર્ષનો પુત્ર મદન આજે એપાર્ટમેન્ટના પાર્કીંગમાં રમી રહ્યો હતો ત્યારે એક કારના ચાલકે રીવર્સમાં લેતી વખતે તેને કચડી નાખ્યો હતો. કાર રીવર્સમાં લેતી વખતે થોડી ઉંચી થતાં ચાલકને ખ્યાલ આવ્યો હતો, ત્યાં સુધી તેને તેની કાર નીચે બાળક કચડાઈ ગયાની જાણ પણ થઈ ન હતી.
આ અકસ્માત બાદ કાર ચાલક જ બાળકને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બાળકના પરિવારજનોને ફરિયાદ આપવા કહેવાયું છે. પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી આવ્યા નથી. કાર ચાલક તેજ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેનું નામ મીલન છે. તે હોસ્પિટલે ગયા બાદ બાળકને મૃત જાહેર કરાતાં ત્યાંથી નીકળી ગયો હતો.