વાવ વિધાનસભા પેટાચૂંટણી: મર્યાદામાં જ રહેજો, હજુ તો ફાયરિંગ જ કર્યું છે, રોકેટ તો હજુ બાકી છે...
Vav Assembly By Election : બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે રસાકસીભર્યા ત્રિપાંખિયા જંગમાં બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીએ સામસામે આરોપબાજી કરતાં છેલ્લા દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. માવજી પટેલે શંકર ચૌધરીને ચિમકી આપીકે, મર્યાદામાં રહેજો, ચૂંટણી મેદાને ઉતર્યો છું એ હજુ તો ફાયરીંગ કર્યુ છે. રોકેટ તો હજુ બાકી છે. ચૌધરી સમાજને બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યુ છે, ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારમાં રાજકીય સમીકરણો પર દુરોગામી અસર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીનો આરોપ : ‘કોંગ્રેસ સાથે લેતીદેતી કરી માવજી પટેલે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી’
વાવ વિધાનસભા બેઠક જીતવા ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું છે. પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે હવે મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરાયો છે. મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ચૌધરી સમાજમાં ઉભા તડાં પડ્યાં હોય તેવી સ્થિતી પરીણમી છે. આ તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પાવર ઉતારવાનો છે તેવી ચિમકી આપનાર બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જે રીતે પ્રચાર કરી રહ્યાં છે તે જોતાં ભાજપ-કોંગ્રેસની બાજી બગડે તેવી પરિસ્થિતી નિર્માણ થઇ છે.
આ પણ વાંચો: આજથી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર-પડઘમ શાંત, મતદારો કોને પહેરાવશે જીતનો તાજ
વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીએ માવજી પટેલ પર આક્ષેપ કર્યો કે, તેઓ ચૌધરી સમાજના મતો તોડવા માંગે છે. માત્ર મીટીંગો કરી ચૌધરી સમાજના મતો વેચવા નીકળ્યાં છે. માવજી પટેલે કોંગ્રેસ સાથે લેતીદેતી કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ તરફ, અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પડકાર ફેંક્યો છેકે, જો મેં પૈસા લીધાં હોય તો શામળીયા ધામમાં સોગંદ ખાવા આવી જાઓ.
તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, મને હરાવવા માટે આખી ભાજપ સરકાર વાવમાં ઉતરી પડી છે. હુ ભાજપની મહેરબાનીથી જીવતો નથી. પણ તમે વિકાસના કામો કર્યો હોત તો વાવ છોડીને થરાદ કેમ ગયાં ? એ નો જવાબ આ વિસ્તારની જનતાને આપો.
આમ, બે ચૌધરી નેતાઓ વચ્ચે જોરદાર વાકયુદ્ધ જામ્યુ છે ત્યારે વાવ મતવિસ્તારમાં ચૂંટણી હવે વઘુ રસાકસીભરી બની રહે તેમ છે. આ ચૂંટણીમાં માવજી પટેલ ભાજપના મતોમાં ભાગલા પડાવે તે તો નક્કી છે. હવે કોંગ્રેસ કેટલો રાજકીય લાભ ઉઠાવી શકે તે તો પરિણામ પરથી ખબર પડશે.