ભાજપના વોર્ડ - ૨ ના કોર્પોરેટરને હાજર રહેવા નોટિસ અપાશે
તોડફોડ કરનાર દબાણ શાખાના સ્ટાફની માહિતી પણ પોલીસે માંગી
વડોદરા,સમા વિસ્તારમાં આવેલી જમીનમાં ગેરકાયદે ઘુસીને ભાજપના કોર્પોરેટર દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાના ગુનામાં સમા પોલીસે આજે ૯ લોકોના નિવેદનો લીધા છે. તેમજ કોર્પોરેટરને હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે.
કલાલી વિસેન્ઝા વનકમમાં રહેતા ઉપેન્દ્ર નરહરભાઇ અરગડે કલાલી ખાતે સી.એમ.પ્લાઝામાં કન્સલ્ટન્સીનું કામ કરે છે. સમા વિસ્તારમાં આવેલી તેમની માલિકીની જમીનમાં ગયા મહિને જે.સી.બી. દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડ ભાજપના વોર્ડ - ૨ ના કોર્પોરેટર ભાણજી પટેલે કરાવી હોવાની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ગુનામાં પોલીસે પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. આજે પોલીસે નવ વ્યક્તિઓના નિવેદનો લીધા છે. જ્યારે કોર્પોરેટરને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે. પોલીસ દ્વારા તોડફોડ કરનાર સ્ટાફની માહિતી મેળવવા માટે કોર્પોરેશન અને જમીનની માલિકીની માહિતી મેળવવા માટે સિટિ સર્વે ઓફિસમાં પત્ર લખ્યા છે.