ડ્રેનેજની ચેમ્બરમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું
પોલીસે ગુનો દાખલ કરી શિશુને ત્યજી દેનાર મહિલાની શોધખોળ શરૃ કરી
વડોદરા,ડભોઇ રોડ પર ડ્રેનેજની સફાઇ કામગીરી કરવા માટે કોર્પોરેશનની ટીમ આવી હતી. ડ્રેનેજની ચેમ્બરનું ઢાંકણું ખોલતા જ તેમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસે રેવાબા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડ્રેનેજ ચોક અપની ફરિયાદ મળતા કોર્પોરેશનની ટીમ સફાઇ કામગીરી કરવા માટે ગઇ હતી. કોર્પોરેશનની ટીમ ડ્રેનેજની ચેમ્બરનું ઢાંકણું ખોલતા જ ચોંકી ઉઠી હતી. ડ્રેનેજમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. શિશુને બહાર કાઢી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. બનાવ અંગે નજીકમાં રહેતા શિવદેવી રાજકુમાર યાદવે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શિશુને ત્યજી દેનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.